ફટાકડાના તણખાથી આગ લાગતા પ્લોટમાં પડેલી 6 કાર ભડભડ સળગી

150 ફૂટ રીંગ રોડ પર એક આગની ઘટના સામે આવી છે. માધવ વાટિકા સોસાયટીની શેરી નંબર-2 બાજુમાં આવેલા જાહેર પ્લોટના કાર પાર્કિંગમાં અચાનક ભીષણ આગ…

150 ફૂટ રીંગ રોડ પર એક આગની ઘટના સામે આવી છે. માધવ વાટિકા સોસાયટીની શેરી નંબર-2 બાજુમાં આવેલા જાહેર પ્લોટના કાર પાર્કિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના તણખાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનામાં પાર્ક કરેલી કુલ 6 મોંઘીદાટ ફોર-વ્હીલર કારો આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે વાહન માલિકોને અંદાજે કુલ રૂૂપિયા 52 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ભયાનક દુર્ઘટના રાજકોટના પુનિતનગરના ટાંકા પાસેથી કર્મચારી સોસાયટી તરફ જતાં માધવ વાટિકા સોસાયટીની બાજુમાં આવેલા જાહેર પ્લોટમાં ઘટી હતી. તારીખ.06/11ના રોજ સાંજે 17:40 કલાકે રામભાઈ નામના એક જાગૃત નાગરિકે પ્લોટમાં લાગેલી આગ જોઈને તુરંત જ ફાયર વિભાગને મોબાઈલ દ્વારા જાણ કરી હતી. જાહેર પ્લોટના કાર પાર્કિંગમાં ફોર-વ્હીલર વાહનોમાં આગ લાગ્યાના ગંભીર સમાચાર મળતાં જ મવડી ફાયર સ્ટેશન અને કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમો ફાયર ટેન્ડરો અને આધુનિક લાઈફ સેવિંગ સાધનો સાથે અત્યંત ઝડપથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોની બહાદુર ટીમે સાંજે 17:40 વાગ્યાથી લઈને 19:05 વાગ્યા સુધી સતત પાણીનો ભારે મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

આગની ગંભીરતા અને ભયાનકતાને ધ્યાનમાં રાખીને મવડી ફાયર સ્ટેશનના ફાયર ટેન્ડર નં. GJ-03-GA-1761 અને GJ-03-GA-1624 (મીની બોલેરો) તેમજ કોઠારીયા ફાયર સ્ટેશનના ફાયર ટેન્ડર નં.GJ-03-GA-1468 અને અટીકા કાર નં. GJ-03-LR-5171 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશનમાં મવડી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર આનંદભાઈ બારીયા અને કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પરેશભાઈ ચુડાસમા સહિતના ફાયર ઓપરેટરો અને ડ્રાઈવરોની ટીમે જાનના જોખમે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર વિભાગની આ સમયસરની કામગીરીના કારણે પ્લોટમાં પાર્ક કરેલી અન્ય અંદાજે 50 જેટલી ફોર-વ્હીલર કારોને આગની ઝપેટમાં આવતા આબાદ બચાવી લેવામાં આવી હતી, જેનાથી આશરે રૂૂપિયા 3 થી 6 કરોડની કિંમતી વાહન મિલકતનો બચાવ થયો હતો. આ ઉપરાંત આજુબાજુની ગીચ રહેણાંક સોસાયટીઓમાં આગને પ્રસરતી અટકાવીને એક ખૂબ જ મોટી હોનારત અને સંભવિત જાનહાનિ ટાળવામાં સફળતા મળી હતી.

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને પગલે 50થી વધુ કાર બચી ગઇ

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી માધવ વાટિકા સોસાયટીની શેરી નંબર-2 બાજુમાં આવેલા એક જાહેર પ્લોટના કાર પાર્કિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં કુલ 6 જેટલી મોંઘીદાટ ફોર-વ્હીલર કારો આગની લપેટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જો ફાયર બ્રિગેડની ટીમ સમયસર ન પહોંચી હોત અને થોડી પણ મોડી પડી હોત, તો આ પ્લોટની સામે જ પાર્ક કરેલી અન્ય 50 જેટલી લક્ઝુરિયસ કારો પણ આગની ઝપેટમાં આવી ગઈ હોત, જેમાં બીએમડબ્લ્યુ અને ઓડી જેવી કરોડો રૂૂપિયાની મોંઘી કારો સામેલ હતી. ફાયર વિભાગની સતર્કતાને કારણે એક બહુ મોટી આર્થિક હોનારત ટળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *