ભારે દબાણને વશ થયા વગર કાર્યવાહી, 2.85 કરોડનો મુદ્દામાલ સીઝ
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની ચોટીલામાં આવેલી લીઝ સીઝ કરી દેવાઈ છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે પાંજવાણી ગામે આવેલી રાજેશ ચુડાસમાના ભાઈ દીપક ચુડાસમાની શ્રી ચામુંડા લીઝ સીઝ કરી છે. સાંસદના ભાઈ હોવાથી લીઝ સીઝ ન કરવા ઉપરથી ભારે દબાણ પણ થયું હોવાની ચર્ચા છે. જોકે, ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ કોઈનું દબાણ-ભલામણ કે શરમ રાખ્યા વગર કડકાઈથી કાર્યવાહી કરી છે, જેનાથી સુરેન્દ્રનગર જિલ્લાઓના ખનીજ માફિયાઓમાં પણ ફફળાટ ફેલાયો છે.
પાંજવાળી ગામની સીમમાં સર્વે નંબર 158માં ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ રેડ કરી ચેકીંગ કરતા બ્લાસ્ટના, રોયલ્ટીના રજીસ્ટર નહીં નિભાવતા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ લીઝમાંથી નીકળતું દુષિત પાણી સરકારી જમીનમાં ઠલવાતું હોવાનું પણ સામે આવ્યું છે. અનેક ક્ષતિઓ અને ગંભીર બેદરકારીના કારણે ડેપ્યુટી કલેક્ટરે સંદીપ મહેન્દ્રભાઈ પરમારની લીઝ ઉપરનો 2.85 કરોડ રૂૂપિયાનો મુદામાલ તાત્કાલિક સીઝ કરી દીધો હતો, ત્યારબાદ આ સીઝ કરેલી લિઝ રદ કરવા માટે ડેપ્યુટી કલેક્ટરે સુરેન્દ્રનગર કલેક્ટરને રિપોર્ટ પણ કરી દીધો છે.
સર્વે નંબર સાથે જોડાયેલા જમીનના દસ્તાવેજ પુરાવા નોંધની તપાસ કરતાં સંદીપભાઈ પરમાર સહિત કુલ ચાર ભાગીદાર હોવાનું સામે આવ્યું. જેમાં એક દીપકભાઈ નારણભાઈ ચુડાસમાનું પણ નામ છે , જે જૂનાગઢના ભાજપના લોકસભાના સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.રાજકીય વગને કારણે અત્યાર સુધી કોઈ અધિકારી અહીં ડોકાતા નહોતા પણ ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે રેડ કરી લીઝ સીઝ કરતા ભારે રાજકીય માહોલ ગરમાયો છે. ચર્ચા છે કે,જૂનાગઢના સાંસદના ભાઈની આ લીઝમાં હજી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો બીજી પણ ગેરરીતિ ખુલી શકે છે.
