ભાવનગરના જૂના બંદરની ખાડીમાં ડોલ્ફિન દેખાતાં લોકોમાં કુતૂહલ

ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં આવેલા દરિયાઈ ખાડીના પાણીમાં ભરતી વેળાએ અચાનક એક સુંદર ડોલ્ફિન માછલી દેખાતાં સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં ભારે આશ્ચર્ય અને કૂતુહલનો માહોલ…

ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં આવેલા દરિયાઈ ખાડીના પાણીમાં ભરતી વેળાએ અચાનક એક સુંદર ડોલ્ફિન માછલી દેખાતાં સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં ભારે આશ્ચર્ય અને કૂતુહલનો માહોલ સર્જાયો હતો. કેબલ સ્ટેડ બ્રિજ નજીકથી પસાર થઈ રહેલા એક સ્થાનિક નાગરિકની નજર પાણીમાં રમી રહેલી ડોલ્ફિન પર પડતાં જ તેણે આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી, જેને પગલે જોતજોતામાં આ અનોખા દરિયાઈ જીવને નિહાળવા માટે લોકોના ટોળેટોળાં ખાડી કિનારે એકત્ર થઈ ગયા હતા.

પ્રાથમિક અનુમાન મુજબ દરિયામાં આવેલી ઊંચી ભરતીના કારણે પાણી ખાડીના અંદરના ભાગ સુધી ધસી આવ્યું હતું, જેની સાથે જ આ ડોલ્ફિન પણ ભૂલથી અથવા ખોરાકની શોધમાં ખાડીના શાંત પાણીમાં આવી પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરિયાઈ ખાડીમાં અચાનક ડોલ્ફિનનું આગમન થતાં જ વિસ્તારમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા ડોલ્ફિનની સ્થિતિ અને તેની વર્તણૂક પર સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ખાડી કિનારે લોકોની ભારે ભીડ એકઠી થઈ હોવાથી ડોલ્ફિન ભયભીત ન થાય અને તેને કોઈ પ્રકારની પરેશાની કે હાનિ ન પહોંચે તે માટે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *