પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 10 દિવસ પૂર્વે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 22 પીએસઆઈની આંતરિક બદલી કર્યા બાદ હવે મહત્વની બ્રાંચો સાથે પોલીસ મથકમાં ફરજ બજાવતા નીચેના સ્ટાફની આંતરિક બદલીનો તખ્તો તૈયાર કર્યો છે. શહેર પોલીસમાં ટુક સમય માં મોટા ફેરફારો આવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ક્રાઈમ બ્રાંચ,એસઓજી,પીસીબી, પેરોલ ફર્લોસહીતની મહત્વની બ્રાંચ માં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરીની પોલીસ અધિકારીઓ દ્વારા સમિક્ષા કરવામાં આવી રહી છે. જેના આધારે રિપોર્ટ તૈયાર થયા બાદ બે દિવસમાં ફેરફારો થશે.
10 દિવસ પૂર્વે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ ક્રાઈમ બ્રાંચ,એસઓજી અને આર્થિક ગુન્હા નિવારણ શાખા તેમજ પીસીબીમાં મોટા પાયે આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરી હતી. અને 22 જેટલા પીએસઆઈની બદલીના હુકમો કાર્ય હતા. શહેર પોલીસ બેડામાં કાર્યક્ષમતા વધારવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કરવામાં આવેલી આ આંતરિક ફેરબદલીને શિસ્ત, કાર્યક્ષમતા અને વિભાગીય સંતુલન જાળવવાનો પ્રયત્ન ગણવામાં આવે છે. 22 પીએસઆઇની આંતરિક બદલીઓ પૂર્ણ થતા હવે પોલીસ વિભાગમાં નીચેના સ્ટાફની પણ ટૂંક સમયમાં આંતરિક બદલી કરવામાં આવશે એવી સત્તાવાર માહિતી મળી છે.
અલગ અલગ પોલીસ મથકમાં તેમજ મહત્વની બ્રાંચમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ લેવલના પોલીસ કર્મચારીઓની બદલીનો તખ્તો ઘડાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી પોલીસ અધિકારીઓ દ્વારા કર્મચારીઓની કામગીરીની સમિક્ષા હાથ ધરવામાં આવી છે. અને આ સમિક્ષા કામગીરી બાદ રિપોર્ટને આધારે ક્રાઈમ બ્રાંચ,એસઓજી અને આર્થિક ગુન્હા નિવારણ શાખા તેમજ પીસીબીમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવશે. શહેર પોલીસ બેડામાં લાગવગથી નહી પણ કાર્યદક્ષતાને આધારે બદલીના હુકમો કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસ સ્ટેશનના પી.આઈની બદલીનો પણ તખ્તો તૈયાર
શહેર પોલીસ વિભાગમાં 22 પીએસઆઇની આંતરિક બદલીઓ પૂર્ણ થતા હવે પોલીસ સ્ટેશનમાં પણ પી.આઈની આંતરિક બદલી થઇ શકે છે. પીઆઈ સ્તરે પણ ટૂંક સમયમાં આંતરિક બદલી કરવામાં આવશે એવી સત્તાવાર સૂચનાઓ મળી રહી છે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ મથક તેમજ મહત્વની બ્રાંચમાં આશરે 15 મહિના પૂર્વે મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા હતા ત્યાર બાદથી ફરી એક વખત પોલીસ મથકમાં પી.આઈના ફેરફારોની ચર્ચા થઇ રહી છે. નીચેના સ્ટાફની આંતરિક બદલી બાદ પી.આઈની પણ બદલી પણ થશે જેનો તખ્તો તૈયાર હોય ચાલુ વર્ષના અંત સુધીમાં રાજકોટ શહેરમાં મોટાપાયે આંતરિક બદલી થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
