સોમવારની રાત્રે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે 9:35 વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ચિમ રેલ્વે સ્ટેશન નજીક એક ઝડપી ગતિએ આવતી BEST બસે કાબૂ ગુમાવતા અનેક લોકોને કચડી નાખ્યા હતાં. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયાં છે, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હોવાના સમાચાર છે. આ અકસ્માતના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે.
આ અકસ્માત સોમવારની રાત્રે આશરે 10:05 વાગ્યે ભાંડુપ (પશ્ચિમ) સ્ટેશન રોડ પર બન્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઈવર બસ રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક બસ ત્યાં હાજર રાહદારીઓ પર ફરી વળી હતી. અકસ્માતને પગલે સ્ટેશન રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 14 રાહદારીઓ બસની ચપેટમાં આવી ગયા હતા. બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, અને ડોક્ટરો તેમના જીવ બચાવવા માટે કામ કરી રહ્યા છે.
BEST બસ અકસ્માત અંગે, DCP હેમરાજ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ અકસ્માત બસની ઝડપી ગતિ, બ્રેક ફેઈલ થવાથી કે ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે.
