અરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?

સુપ્રીમ કોર્ટે આજકાલ પોતાના અને નીચલી અદાલતોના ચુકાદા ફેરવવા માટે ચર્ચામાં છે. તાજો દાખલો અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને ખનનની છુટનો છે. અગાઉ રખડતા શ્ર્વાન મામલે,…

સુપ્રીમ કોર્ટે આજકાલ પોતાના અને નીચલી અદાલતોના ચુકાદા ફેરવવા માટે ચર્ચામાં છે. તાજો દાખલો અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને ખનનની છુટનો છે. અગાઉ રખડતા શ્ર્વાન મામલે, ખરડા અટકાવવાની રાજયપાલ- રાષ્ટ્રપતિની સત્તા સામેના ચુકાદા તેણે સપ્તાહોમાં બદલ્યા હતા. ગઇકાલે અરવલ્લી મુદ્દે પોતાના અગાઉના અવલોકનોમાં, નિર્ણય પર સ્ટે બાબત ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ઉન્નાવ રેપ કેસમાં આરોપીને દિલ્હી હાઇકોર્ટે આપેલા જામીન સામે સ્ટે આપ્યો છે. ઉન્નાવ બળાત્કાર કેસ યોગી માર્ચ, 2017માં મુખ્યમંત્રી બન્યા તેના ત્રણ મહિના પછી બનેલો. 2017ના જૂન મહિનામાં 16 વરસની છોકરીએ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીદારો પર બળાત્કારનો આક્ષેપ કરતી અરજી કરેલી.

છોકરીના પરિવારને સેંગર સાથે કોઈ વાતે વાંધો પડ્યો હશે તેમાં આ છોકરીને ઉઠાવી જવાઈ ને તેના શરીરને ચૂંથીને બળાત્કાર ગુજારાયો. છોકરીને રસ્તા પર ફેંકીને હવસખોરો જતા રહેલા. છોકરી ફરિયાદ કરવા પોલીસ પાસે ગઈ તો પોલીસે ફરિયાદ ના લીધી. બીજા દિવસે છોકરી ગાયબ થઈ ગઈ. છોકરીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ પોલીસને કશું કરવામાં રસ નહોતો તેથી વાત મીડિયા સુધી પહોંચી એટલે ફરિયાદ નોંધાવ્યાના 9 દિવસ બાદ પીડિતા પાસેના ગામમાંથી મળી. છોકરી સેંગર સામે આક્ષેપો ના કરે એટલે તેના પરિવારને ગોંધી રખાયેલો. તેના કારણે પહેલાં છોકરીએ સેંગરનું નામ નહોતું આપ્યું પણ એક વાર બધાં મુક્ત થયાં પછી સેંગર સામે પરિવારે મોરચો માંડયો.

સેંગરે છોકરીના પરિવારને ચૂપ રખાવવા તેના ભાઈને મરાવ્યો, તેના પિતાની હત્યા કરાવી ને પરિવારનાં બીજા સભ્યોને પણ મરાવી નાખેલાં એ જોતા તેનો અપરાધ અત્યંત ગંભીર છે તેમાં બેમત નથી. સેંગરની સજા સાવ વાહિયાત ટેકુનિકલ કારણોસર મોકૂફ રખાઈ છે અને જામીન પણ જજની મુનસફીને આધારે આપી દેવાયા છે. સેંગરને ઉન્નાવની 16 વર્ષની છોકરી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ છે. આ ઉપરાંત છોકરીના પિતાની હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. સેંગરે આજીવન કારાવાસની કેદની સજા સામે અપીલ કરેલી છે. સેંગરની અપીલનો કેસ બોર્ડ પર આવતો નથી.

સેંગરે કેસ ઝડપથી ચાલે એ માટે હાઈ કોર્ટમાં અરજી નાંખેલી. સેંગરે પોતાની સજા મોકૂફ રખાવવાની અરજીમાં દલીલ કરી છે કે, પોતાને લોકસેવક ગણીને આકરી સજા કરવામાં આવી છે પણ વાસ્તવમાં ધારાસભ્ય લોકસેવકની વ્યાખ્યામાં આવતા જ નથી. હાઈ કોર્ટના જજે આ બકવાસ દલીલને માન્ય રાખી દીધી અને સજા મોકૂફ રાખી દીધી. સેંગરને જામીન પણ ગળે ના ઉતરે એવા કારણસર આપી દેવાયા. હાઈ કોર્ટે એ આધાર પર ચુકાદો આપ્યો છે કે, સેંગર સાત વર્ષથી જેલમાં છે પણ તેમની સજા સામેની અપીલ પર સુનાવણીમાં બહુ વિલંબ થઈ રહ્યો છે. તેના કારણે સેંગરના અધિકારોને અસર થઈ રહી છે તેથી સેંગરને જામીન પર મુક્ત થવાનો અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *