દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. આજે બપોરે 2 વાગ્યે સ્પાઈસજેટની ફ્લાઈટ પાર્કિંગ એરિયામાં ઉભેલા અકાસા એરલાઈનના વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ઘટનામાં સ્પાઈસજેટ વિમાનની જમણી પાંખોને નુકસાન થયું છે. જ્યારે, બીજા અકાસા વિમાનની ડાબી પાંખ તૂટી ગઈ છે.ઘટના બાદ સ્પાઈસજેટનું આ વિમાન દિલ્હીમાં જ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ઉડાન માટે કરવામાં આવશે નહીં.
મળતી માહિતી અનુસાર સ્પાઈસજેટનું B737-700 વિમાન જ્યારે રનવે તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તેની જમણી બાજુનું વિંગલેટ બીજા વિમાન સાથે ટકરાયું હતું. આ ટક્કરને કારણે બીજા વિમાનના લેફ્ટ હેન્ડ હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝરને પણ નુકસાન પહોંચ્યું છે.
આ બાબત અંગે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “૧૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ દિલ્હી એરપોર્ટ પર ટેક્સીગ કરતી વખતે સ્પાઇસજેટ B737-700 વિમાન ગ્રાઉન્ડેડ થયું હતું. આ ઘટનામાં વિમાનના જમણા પાંખને નુકસાન થયું હતું, જ્યારે અન્ય એરલાઇનના વિમાનના ડાબા વિંગલેટ પણ નુકસાન થયું હતું. સાવચેતીના પગલા તરીકે, આ સ્પાઇસજેટ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.”
https://x.com/ANI/status/2044736281637466471?s=20
અકાસા એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે અકાસા એરની દિલ્હીથી હૈદરાબાદ જતી ફ્લાઇટ QP 1406ને 16 એપ્રિલ 2026ના રોજ પાછી બે (પાર્કિંગ એરિયા)માં ફરવું પડ્યું. ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને વહેલામાં વહેલી તકે હૈદરાબાદ મોકલવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે.
અકાસા એરલાઈને જણાવ્યું કે, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને સમય રહેતા વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. અકાસા એર એ એમ પણ કહ્યું છે કે, તેનો ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે હૈદરાબાદ લઈ જવા માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરી રહ્યો છે.
