દાહોદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક મહિલાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં માતા અને એક બાળકીનો આબાદ બચાવ થયો છે, જ્યારે અન્ય ત્રણ બાળકોના મોત થયા છે.
ઘટના અંગે મળતી વિગતો અનુસાર વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈ નામની મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ચાર બાળકો સાથે ગામના એક કૂવામાં ઝંપલાવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતા તેણે તાત્કાલિક ગામના રહેવાસી અને આગેવાનોને જાણ કરી હતી. ત્યારબાદ તાત્કાલિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કૂવામાં ખાબકેલા તમામ પાંચ સભ્યોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.
અન્ય ત્રણ બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં નસીબજોગ માતા અને એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.
બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતકોના નામ:
પુત્રી પ્રિયંકા (12 વર્ષ)
પુત્ર ગિરિરાજ (5 વર્ષ)
પુત્ર રાજવીર (2 વર્ષ)
