મહંત સ્વામી મહારાજે રવિવાર, 11 ઓક્ટોબર 2026ના રોજ લંડન સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્ય દ્વારા તેમણે તેમના ગુરુ યોગીજી મહારાજની પ્રેરણાથી બાળકો અને યુવાનોમાં સંસ્કૃતના અભ્યાસ અને ઉપયોગને પ્રોત્સાહન આપવાની એક અત્યંત પ્રિય ઈચ્છા પૂર્ણ કરી હતી.
24 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા સત્સંગ દીક્ષા સન્માન મહોત્સવ દરમિયાન, મહંતસ્વામી મહારાજે લંડનની મુલાકાત વખતે મંદિરમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરવાની ઈચ્છા એક વિશેષ પત્ર દ્વારા વ્યક્ત કરી હતી. આ ઉદ્ઘાટન તે સંકલ્પની પૂર્તિ અને યુકે (UK)માં સંસ્કૃતના સંવર્ધન તથા પ્રસારની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂૂપ ઘટના બની રહી હતી.
મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ ઉદ્ઘાટન સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંસ્કૃત શિક્ષણ અને વિદ્વતાની દીર્ઘકાલીન પરંપરા પર પ્રકાશ પાડ્યો હતો. ભગવાન સ્વામિનારાયણના જીવનકાળ દરમિયાન શાસ્ત્રોની રચનાથી લઈને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સંસ્કૃત અભ્યાસને મળેલા પ્રોત્સાહન સુધીની આધ્યાત્મિક અને વિદ્વતાપૂર્ણ વિરાસતનો તેમણે ઉલ્લેખ કર્યો, જેના પર આ નવી પાઠશાળાનું નિર્માણ થશે. ભદ્રેશદાસ સ્વામીએ લંડનના બાળકો, કિશોરો અને યુવાનો (બાળકો અને બાળાઓ બંને) સંસ્કૃત શીખે અને તેમાં સંવાદ કરે તેવી મહંતસ્વામી મહારાજની અભિલાષા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, મહંતસ્વામી મહારાજે આ નવી સંસ્થાનું નામ અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા રાખ્યું છે, જેને સભામાં ઉપસ્થિત સૌએ અત્યંત ઉત્સાહપૂર્વક વધાવી લીધું હતું.
આ પ્રસંગ વિશેષ મહત્વપૂર્ણ હતો કારણ કે પાઠશાળાના ઔપચારિક પ્રારંભ પૂર્વે જ લગભગ 350 યુવા વિદ્વાનો સંસ્કૃત શિક્ષણ સાથે જોડાઈ ચૂક્યા હતા, જે આ પહેલ પ્રત્યેનો ઉત્સાહ અને તેનો મજબૂત પાયો દર્શાવે છે. મહંતસ્વામી મહારાજે અક્ષર-પુરુષોત્તમ મહારાજને પૂજન કરી, દીપ પ્રાગટ્ય કરી પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં યુવા વિદ્વાનો દ્વારા સંસ્કૃતમાં એક વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
રસપ્રદ સંવાદ દ્વારા તેમણે મહંતસ્વામી મહારાજની પેરિસ અને લંડનની આધ્યાત્મિક યાત્રાના મહત્વપૂર્ણ પ્રસંગોને યાદ કર્યા અને ત્યારબાદ પાઠશાળાની સ્થાપના બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાના પ્રથમ સત્રમાં મહંતસ્વામી મહારાજે સંસ્કૃતમાં આશીર્વચન પાઠવ્યા હતા અને ભાષા પ્રત્યેની તેમની પ્રશંસા વ્યક્ત કરી અને તેના અભ્યાસને પ્રોત્સાહન આપતા સમજાવ્યું હતું કે, સંસ્કૃત શિક્ષણ મહારાજની મહાનતાની સમજ ફેલાવવામાં અને ભાવિ પેઢીઓના આધ્યાત્મિક પાયાને મજબૂત બનાવવામાં કેવી રીતે મદદ કરશે. સંસ્કૃત પાઠશાળાના ઉદ્ઘાટનથી નીસડેન મંદિરમાં સંસ્કૃત શિક્ષણમાં એક અર્થપૂર્ણ નવો અધ્યાય શરૂૂ થયો, જેમાં ભાષાકીય વિદ્વતા, આધ્યાત્મિક સમજણ અને આવનારી પેઢીઓમાં યોગીજી મહારાજના સ્થાયી દ્રષ્ટિકોણનું સંવર્ધન જોવા મળ્યું હતું.
