રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત મીઠાનું લોડિંગ, રેલવેને 27 લાખની આવક

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતે પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ કરવામાં આવ્યું. 14…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતે પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ કરવામાં આવ્યું. 14 ઓક્ટોબર 2026ના રોજ 20 વેગનમાં આશરે 1,260 મેટ્રિક ટન આયોડાઇઝ્ડ મીઠું લોડ કરીને બિહારના ફતુહા માટે રવાના કરવામાં આવ્યું હતું. આશરે 1,876 કિલોમીટરના અંતર માટે કરવામાં આવેલા આ માલ પરિવહનથી રેલવેને અંદાજે ₹27 લાખની આવક પ્રાપ્ત થઈ છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ માલસામાનનું સંચાલન સીટીએ લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે મેસર્સ નિર્મા લિમિટેડ આ ક્ધસાઇનમેન્ટની મોકલનાર તેમજ મેળવનાર કંપની છે.

રાજકોટ ડિવિઝન દ્વારા નવા ગ્રાહકોને રેલવે સાથે જોડવા, વિવિધ ચીજવસ્તુઓના લોડિંગની શક્યતાઓ ચકાસવા અને વ્યાપારી એકમોને રેલ પરિવહન માટે પ્રોત્સાહિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવી પહેલથી રેલવેની નૂર આવકમાં વધારાની સાથે-સાથે વ્યાપારી સંસ્થાઓને લાંબા અંતર સુધી માલ પરિવહન માટે રેલ સેવાઓનો લાભ લેવાની તક મળે છે.

રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ગુડ્સ શેડમાંથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ એ અમારી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સતત પ્રયાસો અને વાણિજ્યિક તેમજ સંચાલન વિભાગોના ઉત્કૃષ્ટ સમન્વયનું પરિણામ છે. આવા પ્રયાસો નવા માલવાહક ટ્રાફિકની તકો ઊભી કરવા અને રેલવેની આવક વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *