સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમા રૂા. 20 કરોડના કથિત દવા કૌભાંડના પગલે અચાનક જ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમા આવેલા સરકાર માન્ય જન ઔષધી મેડિકલ સ્ટોરને શનિવારથી તાળા લાગી જતા દર્દીઓના સગા-સબંધીઓમા ભારે દેકારો મચી જવા પામેલ હતો.
દર્દીઓની હાલાકી અંગે ગઇકાલે ‘ગુજરાત મિરરે’ અહેવાલ પ્રસિધ્ધ કરતા સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ સફાળા જાગ્યા હતા અને આજે સવારથી ફરી જન ઔષધી સ્ટોર ખુલી જતા દર્દીઓમા રાહતની લાગણી ફેલાયેલ છે.
જો કે , ત્રણ દિવસ જન ઔષધી સ્ટોર બંધ રાખ્યા બાદ ફરી ખોલવા અંગે કોઇ મોઢુ ખોલવા તૈયાર નથી સ્ટોરના સંચાલકો અને સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ મેડિકલ સ્ટોરની ‘ખોલ-બંધ’ અંગે જવાબ આપવાનુ ટાળી રહયા છે.
પરંતુ આધારભુત સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલનો જન ઔષધી સ્ટોર અચાનક બંધ થઇ ગયાના ‘ગુજરાત મિરર’ ના અહેવાલના પગલે ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી રાત્રે જ જવાબદાર અધિકારીઓને કોઇપણ ભોગે સવારમા જન ઔષધી સ્ટોર ખોલી નાખવા સુચના આપવામાં આવી હતી , જેના પગલે અમદાવાદની એજન્સીને તાત્કાલિક સ્ટોરમા માણસો મુકી સ્ટોર ખોલી નાખવા તાકીદ કરવામા આવતા આજે સવારથી જન ઔષધી સ્ટોર ખુલી ગયો હતો. જો કે , હજુ સ્ટોરમા પહેલા કરતા સ્ટાફ ઓછો મુકવામા આવ્યો હોવાથી સ્ટોર બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
