રાજકોટનું ભવિષ્ય નક્કી કરતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ડો.રાજદીપસિંહ જાડેજા

શહેરનાં દરેક વર્ગને સાથે લઇ વિકાસની કેડી કંડારવા કોંગ્રેસ શરૂ કરશે નવો અધ્યાય: કોંગ્રેસનો ‘કમિટમેન્ટ કોંગ્રેસનું રાજકોટ માટે’ મેનિફેસ્ટો માત્ર દસ્તાવેજ નહીં, રાજકોટનાં સર્વાંગી વિકાસ…

શહેરનાં દરેક વર્ગને સાથે લઇ વિકાસની કેડી કંડારવા કોંગ્રેસ શરૂ કરશે નવો અધ્યાય: કોંગ્રેસનો ‘કમિટમેન્ટ કોંગ્રેસનું રાજકોટ માટે’ મેનિફેસ્ટો માત્ર દસ્તાવેજ નહીં, રાજકોટનાં સર્વાંગી વિકાસ માટેનો રોડમેપ

રાજકોટ શહેર આજે એક મહત્વપૂર્ણ મંચ પર ઉભું છે જ્યાં લેવામાં આવનાર નિર્ણયો આવનારા વર્ષોમાં શહેરની દિશા અને દશા બંને નક્કી કરશે. આવા સંજોગોમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, “આ વખત માત્ર ચૂંટણી નથી, પરંતુ રાજકોટના ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની ઐતિહાસિક તક છે. કોંગ્રેસ પાર્ટી શહેરના દરેક વર્ગને સાથે લઈને વિકાસનો નવો અધ્યાય શરૂૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.” આવા સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂ કરાયેલ “કમિટમેન્ટ કોંગ્રેસનું રાજકોટ માટે” મેનિફેસ્ટો માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ રાજકોટના સર્વાંગી વિકાસ માટેનો સ્પષ્ટ, જવાબદાર અને દ્રષ્ટિપૂર્ણ રોડમેપ છે.

આ મેનિફેસ્ટોમાં શહેરના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજની જાહેરાત સાથે ત્યાંના મૂળભૂત સુવિધાઓનો અભાવ દૂર કરવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો છે. 70 વાર સુધીના મકાનો પર ધરવેરો માફી અને અન્ય રહેણાંક માટે રાહતો આપવાનો નિર્ણય સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો માટે સીધી રાહત સાબિત થશે. ડિમોલેશનથી અસરગ્રસ્ત લોકોને આવાસમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગેની સમસ્યા લાંબા સમયથી રાજકોટના નાગરિકો માટે ચિંતાનો વિષય રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇનનું પાણી પીવાના પાણી સાથે મિકસ થવાની ફરિયાદો સામે આવી છે, જેના કારણે નાગરિકોને ગંદુ અને અસ્વચ્છ પાણી મળતું હોય છે જે સીધો આરોગ્ય માટે ખતરો ઉભો કરે છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાણી પુરવઠામાં વધારો, સ્વચ્છ અને સુવિધાસભર વિતરણ, તેમજ ગટર અને પાણી માટે સંપૂર્ણપણે અલગ અને આધુનિક લાઇન સિસ્ટમ ઉભી કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ સાથે જ આરોગ્ય ક્ષેત્રે સિનિયર સિટીઝન્સ માટે વાર્ષિક ફુલ બોડી ચેકઅપ, ડાયાબિટીસ અને બીપીની મફત દવાઓ તથા 24/7 સેવા સાથે નવા આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને સમયસર અને સસ્તી સારવાર ઉપલબ્ધ થાય. શિક્ષણ ક્ષેત્રે દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળાઓ, ઠશઋશ ઝોન અને ગુણવત્તાસભર કોચિંગ સેન્ટરો ઉભા કરીને આગામી પેઢીને મજબૂત બનાવવામાં આવશે.મહિલાઓ, વિદ્યાર્થીઓ તથા વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે સિટી બસ સેવા આપવામાં આવશે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગની સુવિધા આપવામાં આવશે તેમજ ફૂટપાથોને ફરી ચાલવા લાયક બનાવવામાં આવશે. મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે ફીમેલ જીમ, મહિલાઓ માટે ફ્રી લાયબ્રેરી મેમ્બરશિપ અને તમામ ઝોનમાં સ્વચ્છ અને સુરક્ષિત પિક ટોયલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.યુવાનો માટે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવશે.

સફાઈ, ગ્રીન કવર વધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે, જેથી રાજકોટને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ શહેર તરીકે વિકસાવવામાં આવે! આ ઉપરાંત ડો. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, ચૂંટણીના હવે માત્ર 2 દિવસ બાકી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટની જનતાએ કોંગ્રેસ પ્રત્યે જે પ્રેમ, વિશ્વાસ અને સમર્થન દર્શાવ્યું છે, તે બદલ હું દિલથી આભારી છું. આ વિશ્વાસ જ અમારી સૌથી મોટી શક્તિ છે. હવે સમય આવી ગયો છે કે આપણે એકજૂટ થઇને રાજકોટના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈએ. દરેક મત મહત્વનો છે અને દરેક મત દ્વારા આપણે શહેરમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *