બજેટ સત્રના સમાપન સાથે જ આચારસંહિતા લાગુ પડવાની ચર્ચાઓ, નવી યોજનાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે દોડધામ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2026ના May મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ, એટલે કે March 2026 ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે. વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી, બંધારણીય જોગવાઈઓ મુજબ સમયસર ચૂંટણી યોજવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યમાં લોકશાહીના આ પર્વને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચે ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં જ આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ’માસ્ટર ટ્રેનર્સ’ ની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પાયાના સ્તરે અધિકારીઓને તાલીમ આપશે.
વધુમાં, પંચે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે કે જે ઈમારતોનો ઉપયોગ મતદાન મથક તરીકે થવાનો છે, તેવી જર્જરિત ઇમારતોને તોડવા કે પાડવા પર અત્યારથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય. ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે બજેટ સત્રના સમાપન પછી તરત જ આચારસંહિતા લાગુ થઈ શકે છે. આ આશંકાને પગલે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલા વિકાસકાર્યો અને નવી જાહેરાતોને વહેલી તકે પૂર્ણ કરવા માટે દોડધામ શરૂૂ થઈ છે. એકવાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બનશે, જેના કારણે નવી યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહૂર્ત પર રોક લાગી જશે.
આ ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે જનતાના પાયાના પ્રશ્નો મુખ્ય પડકાર રહેશે. શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને પ્રોપર્ટી ટેક્સ જેવા મુદ્દાઓ ગાજશે, જ્યારે ગ્રામીણ પટ્ટામાં ખેતી માટે સિંચાઈનું પાણી, પશુપાલન સહાય, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ પર મતદાન થવાની ધારણા છે. તમામ મોટા પક્ષોએ અંદરખાને ઉમેદવારોની પસંદગી માટે સર્વે અને પેનલ બનાવવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે.
