તંત્ર દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન ખાતૅે સુવિધા ચાલુ કરાઈ, ઈસ્ટ ઝોનના વિસ્તારોમાંથી આવેલા અરજદારોમાં દેકારો
રાઈટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર આપવાનો રાજકોટ મહાનગરપાલિકામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ જાહેરાત કરેલ હોવાથી આજે વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈનો લગાવી હતી. જેની સામે પ્રમાણપત્ર કાઢવા માટે ફકત એક ઓપરેટર હોવાથી જન્મ મરણ વિભાગનાં મુખ્ય અધિકારી પણ સ્ટાફના અભાવે લોકોની મદદગારી કરવા ફોર્મ ભરવા સહિતના કામો કરવા લાગ્યા હતાં. જ્યારે ઈસ્ટ ઝોન કચેરી ખાતે સુવિધા ન મળતાં આ વિસ્તારનાં લોકો સેન્ટ્રલ ઝોન ખાતે આવી અમારા વિસ્તારને શા માટે બાકાત રાખવામાં આવ્યો છે તે પ્રકારના બળાપા કાઢતાં જોવા મળ્યા હતાં.
એક માત્ર દીકરીના પ્રમાણપત્ર માટે આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડયા હતાં. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રથમ વખત કોઈ પ્રમાણપત્ર મેળવવા માટે લોકોએ સવારે છ વાગ્યાથી લાઈન લગાવી હોય તેવો પ્રથમ બનાવ આજે બનવા પામ્યો હતો. નાની નાની દીકરીઓ સાથે માતાઓએ લાઈનમાં ઉભી પ્રમાણપત્ર માટે કયારે વારો આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતાં.
જ્યારે ઈસ્ટ ઝોનમાં આ કામગીરી થતી ન હોવાથી આ વિસ્તારનાં અનેક લોકો પણ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉમટી પડતાં જન્મ-મરણ વિભાગમાં થતી કામગીરી દરમિયાન અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી.
આજે અરજદારો મોટી સંખ્યામાં આવશે. તેમ જાણતા હોવા છતાં તંત્ર દ્વારા વધુ કીટ અને વધુ ઓપરેટર દ્વારા કામગીરી શરૂ ન કરાતા અરજદારો અને ખાસ કરીને મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
પ્રમાણપત્ર માટેના નિયમો
જે માતાપિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મ તા.01/06/2019 થી તા.30/05/2020 દરમ્યાન થયેલ હોય તેવા માતાપિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.04/04/2026 થી તા.17/04/2026 સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે 10.30 થી સાંજે 6.00 કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.INમાં ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILDફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબનું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાંક નો પુરાવો. તેમજ સાથે જોડેલ નમુના મુજબનું રૂૂ. 50 ના સ્ટેમ્પપેપર ઉપર કરેલ નોટરાઇઝ્ડ સોગંદનામુ રજુ કરવાનું રહેશે.
