ગરવા ગિરનારની ગોદમાં યોજાતી ઐતિહાસિક અને પાવનકારી ’લીલી પરિક્રમા’નો આજથી ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. સમગ્ર વાતાવરણ “જય ગિરનારી” અને “હર હર મહાદેવ”ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે. પરિક્રમા કરવા માટે રાજ્યભરમાંથી અને દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હોવાથી, વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા વિધિવત મુહૂર્ત પહેલા જ ઇટવા ઘોડી ખાતેનો પરિક્રમાનો ગેટ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
દર વર્ષે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ સંતો-મહંતો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓનો અવિરત પ્રવાહ વહેલો શરૂૂ થઈ ગયો હતો. ભવનાથ તળેટી અને ઇટવા ગેટ ખાતે ભારે ભીડ એકત્રિત થતા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી તંત્ર દ્વારા સમય કરતાં વહેલા ગેટ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. ગેટ ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને “જય ગિરનારી”ના ભાવિકોએ 36 કિલોમીટરની આ પવિત્ર યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ જીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી સહિતના પવિત્ર સ્થળોના દર્શન કરી પરિક્રમા પૂર્ણ કરશે. તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, પાણી, આરોગ્ય અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બીજી તરફ, 8થી 10 વખત ગિરનારની લીલી પરિક્રમા કરી ચૂકેલા જૂનાગઢના સ્થાનિક શ્રદ્ધાળુ હરિકાંતભાઈ મહેતાએ યુવા પેઢીને પણ આ ધાર્મિક પરંપરા સાથે જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનોએ પણ ગિરનારની પરિક્રમા કરવી જોઈએ, કારણ કે આ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાવાનો અનોખો અવસર છે. આ વખતે નગરપાલિકા, પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરતાં તેમણે ખાસ કરીને પીવાના પાણી સહિતની સુવિધાઓ સારી હોવાનું જણાવ્યું હતું. જોકે, પરિક્રમા શરૂૂ થવાના એક દિવસ પહેલાં જ મોટી સંખ્યામાં ભાવિકો ગેટ બહાર એકત્રિત થઈ ગયા હોવાથી પ્રવેશદ્વાર વહેલી તકે ખોલવામાં આવે તેવી વિનંતી પણ તેમણે કરી હતી.
હરિકાંતભાઈ મહેતાએ પરિક્રમાર્થીઓને જંગલ વિસ્તારની સ્વચ્છતા જાળવવા ખાસ અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગિરનારની પ્રકૃતિ અને કુદરતી સંપત્તિ આપણને વારસામાં મળેલી અમૂલ્ય ભેટ છે. કચરો પોતાની સાથે રાખીને યોગ્ય જગ્યાએ આવેલી કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જેથી ગિરનારની હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે તેમજ વન વિભાગને પણ સહયોગ મળે.આમ, ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થાય તે પહેલાં જ ભવનાથની તળેટીમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગિરનારની પૌરાણિક મહત્તા અને મહાદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ભાવિકોને ખેંચી લાવી રહી છે.
તો બીજી તરફ તંત્રની વ્યવસ્થામાં સહભાગી બનવા અને જંગલની સ્વચ્છતા જાળવવા અંગે પણ યાત્રાળુઓ જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. હવે સૌની નજર પરિક્રમાના પ્રવેશદ્વાર ખૂલવાની ઘડી પર મંડાયેલી છે
પરિક્રમા રૂટ પર 40-50 વર્ષથી ધંધો કરવા આવતા નાના વેપારીઓને હટાવાતા રોષ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમાના મેળાની શરૂૂઆત સમયે જ મહાનગરપાલિકા દ્વારા નાના ધંધાર્થીઓને જગ્યા ખાલી કરી હટાવવાનો આદેશ આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ અને મુશ્કેલી સર્જાઈ છે. રાજસ્થાન, અમદાવાદ અને મુંબઈ જેવા દૂર-દૂરના સ્થળોએથી મોટો માલસામાન લાવીને ગોઠવનારા તેમજ છેલ્લા 40-50 વર્ષથી અહીં શાંતિપૂર્વક ધંધો કરતા વેપારીઓ અચાનક આવેલા આ નિર્ણયને ગરીબો પ્રત્યેની તાનાશાહી ગણાવી રહ્યા છે. વર્ષ 2025માં પરિક્રમા ન યોજાઈ હોવાથી આ વર્ષે કમાણીની આશાએ અનેક લોકો વ્યાજે નાણા લઈ તેમજ પોતાના પરિવાર અને નાના બાળકોને ઘરે મૂકી આઠ-નવ દિવસથી અહીં આવ્યા છે, પરંતુ અધિકારીઓના આ કડક વલણને કારણે તેમની આજીવિકા પર ગંભીર સંકટ ઊભું થયું છે. એક મહિલા વેપારી હંસાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે અહીં તંત્રના અધિકારીઓ ધંધાર્થીઓને બહુ હેરાન કરે છે. ત્યારે નાના માણસોએ ક્યાં જવું. ઘણા લોકો વ્યાજે રૂૂપિયા લઈને, વેપારીઓને મેળો કરીને પૈસા પાછા આપવાની ખાતરી આપીને અને નાના બાળકો તથા પરિવારને મૂકીને આઠ-નવ દિવસથી જગ્યા રોકવા માટે બેઠા છે અને હેરાન થઈ રહ્યા છે. અમારી પાસે કોઈ નોકરી નથી અને અમે મજૂરી તથા મહેનત કરીને બે મહિના કે પાંચ મહિનાનો રોટલો કમાઈ લઈએ છીએ, કોઈ ધૂળ ખાવા નથી આવતું. જો અમે મહેનત કરીને કમાઈ ખાતા હોઈએ તો અધિકારીઓ શા માટે આડે આવે છે અને હેરાન કરે છે. જો વ્યાજે રૂૂપિયા લઈને આવ્યા બાદ મેળો ખોટો પડે અને ધંધો જ ન કરવા દેવામાં આવે તો પછી અમારે શું કરવાનુંરસ્તામાં કાગળ વીણવાના, ધંધો છોડી દેવાનો કે પછી ઘરે જઈને દવા પી લેવાની”
