ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ગયું પહેલાં રાજ્ય સરકારો પાસે પોતાના આવક સ્રોત ઊભા કરવા માટે અલગ અલગ પ્રકારના કરવેરા નાખવાની સત્તા હતી તેથી ક્રમ સે કમ કરવેરાની જોગવાઈઓના કારણે પણ બજેટ ચર્ચાસ્પદ બનતાં હતાં. જીએસટી આવ્યા પછી રાજ્ય સરકારોની મોટા કરવેરા નાખવાની સત્તા છિનવાઈ ગઈ છે તેથી રાજ્ય સરકારોનાં બજેટ ઓછાં રસપ્રદ બની જ ગયાં છે. ગુજરાત તો દારૂૂબંધીને વરેલું રાજ્ય હોવાથી એક્સાઈઝનો મુદ્દો પણ નથી તેથી વધારે સમસ્યા છે પણ એ છતાં શાસકો વિઝનરી હોય તો બજેટને રસપ્રદ બનાવી શકે કેમ કે દરેક રાજ્યનાં આર્થિક સમીકરણો અલગ અલગ હોય છે. ગુજરાત પણ પોતાની વિશિષ્ટતાઓ ધરાવતું રાજ્ય છે એ જોતાં તેને ધ્યાનમાં રાખીને રસપ્રદ બજેટ બનાવી શકાય પણ આ વરસના બજેટમાં એવું કશું નથી કે જેના કારણે એ રસપ્રદ લાગે. મતબેંકને ધ્યાનમાં રાખીને કરાયેલી જોગવાઈઓમાં પણ એવું કશું નથી કે જેના કારણે રસ પડે કે ચર્ચા પણ કરી શકાય.
ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ટેલેન્ટેડ યુવા લોકોનું વિદેશગમન છે કેમ કે ગુજરાતમાં પોતાના માટે કોઈ તક નહીં હોવાનું મોટા ભાગના યુવાનોને લાગે છે. ભારતના બીજા કોઈ રાજ્યમાંથી નહીં જતાં હોય એટલી સંખ્યામાં લોકો વિદેશ જાય છે. આ વાત ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતે જાહેરમાં સ્વીકારેલી છે કેમ કે ગુજરાતમાં વિદેશ જતા યુવાનોમાં સૌથી વધારે પાટીદાર સમાજના જ હોય છે. પાટીદાર સમાજ ખાધેપીધે સુખી છે તેથી મોટા ભાગના પરિવારો સંતાનોને વિદેશ જવા માટે જરૂૂરી ખર્ચ કરવાની ત્રેવડ ધરાવે છે. જે પરિવારોમાં ત્રેવડ ના હોય તેમને સમાજના આગેવાનો મદદ કરે છે તેના કારણે પાટીદારોનો વિદેશ તરફનો પ્રવાહ સતત વધતો જ જાય છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ચરોતરમાં તો ભાગ્યે જ કોઈ એવો પાટીદાર પરિવાર મળશે કે જેમનું કોઈ વિદેશમાં ના રહેતું હોય. પહેલાં સૌરાષ્ટ્રના પાટીદારોમાંથી ઓછા પ્રમાણમાં લોકો વિદેશ જતાં પણ હવે સૌરાષ્ટ્રમાંથી પણ મોટા પ્રમાણમાં વિદેશ તરફ ધસારો જોવા મળે છે તેથી ગુજરાતમાં વિદેશગમન મોટી સમસ્યા છે. નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી બનાવડાવીને એ દિશામાં એક પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્ન સફળ થયો નથી. ગિફ્ટ સિટીને સિંગાપોરની જેમ એશિયામાં આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ સેક્ટરનું સૌથી મોટું હબ બનાવવાનો મોદીનો ઈરાદો હતો પણ ગિફ્ટ સિટી ભારતમાં પણ ફાયનાન્સ ટેક સેક્ટરનું સૌથી મોટું કેન્દ્ર બની શક્યું નથી. હમણાં ડો. હસમુખ અઢિયાને ખસેડીને ઉદય કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન બનાવાયા છે. કોટક શું ચમત્કાર કરી શકે છે એ ભવિષ્ય કહેશે પણ ગુજરાતના યુવા ધનને ભારતમાં બાંધી રાખવા માટે ગિફ્ટ સિટી સક્ષમ નથી જ એ જોતાં બીજા વિકલ્પ વિશે વિચારવાની જરૂૂર છે.
ગુજરાત પાસે ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો છે અને ટુરિઝમ માટે જબરદસ્ત તક છે. પ્રવાસન વિકસે તો હોસ્પિટાલિટી બિઝનેસ વિકસે ને યુવાનોને તેમાં રસ પડે છે. ગુજરાત પાસે બીજું પણ ઘણું છે. તોતિંગ ડેરી ઉદ્યોગ છે અને ખેતી પણ છે. તેના આધારિત એવાં નવાં સેક્ટર વિકસાવવાં જોઈએ કે જેમાં જંગી પ્રમાણમાં રોજગારી પેદા ? થાય અને યુવાનોને કંઈક કરવાની તક મળે. ચોકલેટ સહિતનો ક્ધફેક્શનરી ઉદ્યોગ કે ટેક્સટાઈલ આધારિત ઉદ્યોગ ગુજરાતમાં ? વિકસી શકે. ગુજરાતના એમએસએમઈ સેક્ટરને ફરી બેઠું કરવા માટે પણ કંઈ નથી. ગુજરાતનું અર્થતંત્ર ખેતી, પશુપાલન અને નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો એટલે કે એમએસએમઈના કારણે ઘીંગું બનેલું છે. ભાજપની સરકારોએ -વિકાસના નામે શહેરીકરણ તરફ દોટ મૂકી તેમાં ગામડાં -ભાંગી રહ્યાં છે ને ખેતી તૂટી રહી છે. સહકારી ડેરીઓના કારણે પશુપાલન ટક્યું છે.
ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સમયમાં દરેક તાલુકા મથકે જીઆઈડીસી બનાવડાવીને નાના-મધ્યમ ઉદ્યોગોના વિકાસને નવી દિશા અપાઈ હતી. આ ઉદ્યોગોના કારણે સ્થાનિક સ્તરે રોજગારી મળતી તેથી લોકો શહેરો તરફ દોટ નહોતા મૂકતા. આ ઉદ્યોગોમાંથી બનતી ચીજોને સ્થાનિક બજાર મળી જતું તેથી તેમને ટકી રહેવામાં મુશ્કેલી નહોતી પડતી. ધીરૂૂભાઈ અંબાણીની રિલાયન્સ કે કરશનભાઈ પટેલની નિરમા જેવા આજે કરોડોની કમાણી કરતી કંપનીઓએ પોતાની શરૂૂઆત જીઆઈડીસીમાં ફેક્ટરીથી કરી હતી તેના પરથી જ જીઆઈડીસી મોડલની સફળતાનો અંદાજ લગાવી શકાય.
