કોર્ટ કેમ્પસમાં વકીલ પતિનો પત્ની પર હુમલો

શિમલામાં એકલી મૂકી આવ્યા બાદ સમાધાનના બહાને બોલાવી ઢીકાપાટુનો માર માર્યો, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…

શિમલામાં એકલી મૂકી આવ્યા બાદ સમાધાનના બહાને બોલાવી ઢીકાપાટુનો માર માર્યો, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.થોડા દિવસો પહેલા શિમલા અને મનાલી ફરવા ગયેલા આ દંપતી વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ ઝઘડા બાદ નિર્દયી પતિ પોતાની પરિણીત પત્નીને શિમલામાં તદ્દન એકલી અટૂલી મૂકીને પોતે રાજકોટ પરત આવી ગયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન કરાવવાના બહાને પત્નીને કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવી હતી, જ્યાં વાતચીત દરમિયાન મામલો બિચકતાં પતિએ પત્નીને બેરહેમીથી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ ચકચારી બનાવ અંગેની વિગતો મુજબ, રાજકોટના રેલનગરમાં આવેલા જાડેજા ચોક નજીક એક ભાડાના મકાનમાં રહેતી 29 વર્ષીય પરિણીતા શિતલબેન પાટડીયાએ પોતાના પતિ દીપેશભાઈ નવનીતભાઈ પાટડીયા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શિતલબેનના જણાવ્યા અનુસાર, તેણી છેલ્લા અઢી મહિનાથી પોતાના પતિ સાથે રહે છે અને તેના પતિ દીપેશભાઈ રાજકોટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. આશરે 15 દિવસ પહેલા આ દંપતી શિમલા અને મનાલી ખાતે ફરવા માટે ગયું હતું. આ પ્રવાસ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાથી ઉશ્કેરાઈને વકીલ પતિ પોતાની પત્નીની સુરક્ષાની ચિંતા કર્યા વગર જ તેને શિમલા ખાતે એકલી મૂકીને રાજકોટ પરત આવી ગયો હતો. જ્યારે પરિણીતા ભારે મુશ્કેલીઓનો સામનો કરીને ગત તારીખ 25મીના રોજ સવારના દશેક વાગ્યે પોતાના ઘરે પરત ફરી હતી. વકીલ પતિ દીપેશભાઈ રાજકોટના મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટી શેરી નંબર-4 માં રહે છે.

ઘરે પરત આવ્યા બાદ ગઈકાલે બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ દીપેશભાઈએ શિતલબેનને વોટ્સએપ પર કોલ કર્યો હતો. તેણે ફોન પર જણાવ્યું હતું કે, આપણા બંને વચ્ચે શિમલા ખાતે જે કંઈ પણ બોલાચાલી અને ઝઘડા થયા છે તેનું આપણે સુખદ સમાધાન કરી નાખીએ અને ફરીથી બંને પતિ-પત્ની સાથે હળીમળીને રહીએ.

આ બાબતે વિગતવાર વાતચીત કરવા માટે પતિએ પત્ની શિતલબેનને રાજકોટની નવી કોર્ટ કેમ્પસ ખાતે બોલાવી હતી. પતિની વાત પર વિશ્વાસ રાખીને શિતલબેન તેને મળવા માટે કોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ બંને જણા કોર્ટના પાર્કિંગ એરિયામાં ઊભા રહીને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પતિ દીપેશભાઈ અચાનક પોતાના મોબાઈલ ફોનમાંથી શિતલબેનનો વિડીયો ઉતારવા લાગ્યા હતા. પતિને વિડીયો ઉતારતો જોઈ શિતલબેને પણ પોતાના બચાવ અને પુરાવા માટે પોતાના ફોનમાંથી પતિનો વિડીયો ઉતારવાનું શરૂૂ કર્યું હતું. આ બાબતથી વકીલ પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ગાળો આપવા લાગ્યો હતો.

ગાળો દીધા બાદ પતિએ કહ્યું કે ’મારે અત્યારે કામ છે’ તેમ કહીને તે ત્યાંથી પોતાની મોટરસાઈકલ લઈને જવા લાગ્યો હતો. આથી પરિણીતાએ તેને રોકવા માટે બાઈકમાંથી ચાવી કાઢી લીધી હતી. આ બાબતથી ગુસ્સામાં લાલચોળ થયેલા વકીલ પતિએ જાહેરમાં જ પત્નીને ઢીકાપાટુનો બેફામ માર મારવાનું શરૂૂ કરી દીધું હતું અને જતાં જતાં પત્નીને ધમકી આપી હતી કે, જો તું મારા કે મારા પરિવાર વિરુદ્ધ પોલીસમાં કોઈ ફરિયાદ કરીશ તો હું તારા ટાંટિયા ભાંગી નાખીશ અને તને જાનથી મારી નાખીશ. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી પરિણીતા શિતલબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *