રાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યા

જૂની અદાવતમાં યુપી-બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભારે ભયનો માહોલ: હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ…

જૂની અદાવતમાં યુપી-બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભારે ભયનો માહોલ: હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન

રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે જૂની અદાવતમાં યુપી બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 24 કલાકમાં રાજકોટ પંથકમાં જુદા જુદા ત્રણ સ્થળે ખુની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં જસદણનાં જીવાપર ગામે યુવાન, પડધરીના ખાખરાબેલા ગામે રિકવરી એજન્ટ અને ગોંડલમાં પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યાની ત્રણેય ઘટનાને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જસદણના જીવાપરમાં યુવકને માથામાં સળિયાનો ઘા ઝીંકી એક શખ્સે ખેલ્યો ખૂની ખેલ
જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતો અરવિંદ લાખાભાઈ રાઠોડ નામનો 38 વર્ષનો યુવાન સાંજના સમયે ગામના ચોરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હરેશ કોળી નામના શખ્સે માથામાં સળીયાનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદ રાઠોડે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જાહેર સ્થળે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જીવાપર ગામે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક અરવિંદ સાથળિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગોંડલમાં નિંદ્રાધીન પ્રૌઢનું નશેડી શખ્સે છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ જેન્તીભાઈ શેખ (ઉ.45) પોતાના ઘરની બાજુમાં સુતા હતાં ત્યારે મધરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં વિશાલ સહિતના શખ્સોએ ધસી આવી નિંદ્રાધીન નિલેશભાઈ શેખ ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢ ત્રણ ભાઈ બે બહેનમાં મોટા છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. નિંદ્રાધીન નિલેશભાઈ ઉપર નશેડી શખ્સોએ હુમલો કરી ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

પડધરીના ખાખડાબેલામાં રિકવરી એજન્ટની ફિલ્મી ઢબે હત્યા નિપજાવી
પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટના અયોધ્યા ચોક ખાતે વાહન સીઝિંગનો વ્યવસાય કરતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉં.વ.40) ઉપર રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ખાખડાબેલા ગામ નજીક અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ યુવરાજસિંહને કારમાંથી નીચે ઉતારી તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ યુવરાજસિંહના શરીરના ભાગે ઘાતક ઇજાઓ પહોંચાડતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. મૃતક યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રાજકોટના અયોધ્યા ચોક વિસ્તારમાં વાહન સીઝિંગનો વ્યવસાય કરતો હતો. ફાઈનાન્સ કંપનીઓના બાકી લોનવાળા વાહનો કબજે લેવાનું તેમજ રિકવરી સંબંધિત કામ સાથે તે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેના વ્યવસાયિક સંબંધો અને તાજેતરના વિવાદોની પણ માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *