મોડી રાત્રે ફિલ્મી ઢબે ગુંડાગર્દી: 20 જેટલા લુખ્ખાઓ વચ્ચે પથ્થરમારો-ધોકાબાજી

યુનિવર્સિટી પોલીસ ચોકીની તદ્દન નજીક જ બે કલાક સુધી રોડ બાનમાં લેવાયો, સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ગુજરાત મિરર, રાજકોટ,તા. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ…

યુનિવર્સિટી પોલીસ ચોકીની તદ્દન નજીક જ બે કલાક સુધી રોડ બાનમાં લેવાયો, સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ

ગુજરાત મિરર, રાજકોટ,તા.
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે સાવ કથળી રહી હોય તેવા ભયાનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના અત્યંત પોશ અને ધમધમતા વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક રોડની બાજુમાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર ભારે જૂથ અથડામણ અને મારામારીની ઘટના ઘટી હતી. અહીં આવેલી પ્રખ્યાત રજની ઢોસા અને હર ભોલે રેસ્ટોરન્ટની બિલકુલ નજીક જાહેર રસ્તા ઉપર અંદાજે 20 જેટલા આવારા તત્વો અને માથાભારે લુખ્ખાઓના ટોળાએ ફિલ્મી ઢબે એકબીજા પર હિંસક હુમલો કરી દીધો હતો.આ ટોળાએ જાહેર માર્ગ પર જ સામસામે લાકડાના ધોકા અને બેફામ પથ્થરમારો શરૂૂ કરી દેતા હાઈ-પ્રોફાઈલ વિસ્તાર જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો અનુસાર, આ લોહિયાળ ખેલમાં બે લોકોને શારીરિક ઈજાઓ પહોંચી છે, જેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા ગુંડાઓએ ત્યાં રોડ પર પડેલી એક મોટરસાયકલ પર પણ પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો અને તેને લાકડીઓ ફટકારીને તોડીફોડીને તેનો રીતસર કચ્ચરઘાણ બોલાવી દીધેલ હતો. આ હુમલાના ભયાનક ઘોંઘાટ અને પથ્થરબાજીના અવાજોના કારણે નજીકમાં આવેલી બિલ્ડિંગો અને પ્રખ્યાત સોસાયટીઓ જેવી કે શિલ્પન ઓનીક્સ, નંદ સોસાયટી તેમજ પામ યુનિવર્સ સોસાયટીના રહીશો પણ રાત્રિના સમયે ફફડી ઉઠ્યા હતા.

જ્યાં આ ગુંડાગર્દી અને લોહિયાળ મારામારીની ઘટના બની, ત્યાંથી યુનિવર્સિટી પોલીસ ચોકી તદ્દન નજીક આવેલી છે. પોલીસની બિલકુલ નાક નીચે જ આવારા તત્વો બે કલાક સુધી જાહેરમાં આતંક મચાવતા રહ્યા અને કાયદાના લીરેલીરા ઉડાડતા રહ્યા, જેના કારણે સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે હવે રાજકોટમાં ગુનેગારોને ખાખીનો કોઈ ખોફ કે ડર સદંતર રહ્યો જ નથી. આ માથાકૂટમાં જાણે બે ગેંગ વચ્ચે મોટો ગેંગવોર ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં અને લોકોની નજરે સામે આવતા સળગતા સવાલો ઊભા થયા છે.સામાન્ય રીતે શાંત અને રંગીલા ગણાતા રાજકોટમાં હવે ઉત્તર પ્રદેશ અને બિહારના જંગલરાજ જેવા દ્રશ્યો દેખાવા લાગતા લોકો કાયદો-વ્યવસ્થા સામે ફિટકાર વરશાવી રહ્યા છે. જોકે, આ ઘટના બાદ મોડે મોડે જાગેલી યુનિવર્સિટી પોલીસે હાલ આ મામલે સત્તાવાર તપાસ શરૂૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોળીને આતંક મચાવનાર તત્વોને કાયદાનું ભાન કરાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *