રાજકોટ કલેકટર દ્વારા 1970માં લાભચંદ કોટકને ફળઝાડ અને બગીચાના હેતુસર આપવામાં આવેલી છ એકર જમીનમાં શરતભંગ થતો માલુમ પડતા જમીન પરત લેવામાં આવી હતી.
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે આવેલી સરકારી ખરાબાની હેક્ટર 2-42-81 ચો.મી. જમીન સરકાર દ્વારા પરત લેવામાં આવી છે. આ જમીન આસી. કલેકટર, રાજકોટ દ્વારા રોજ લાભચંદ દેવચંદ કોટકને ફળઝાડ વાવવા અને બગીચો બનાવવાના હેતુ માટે નવી અને અવિભાજ્ય શરતે ફાળવવામાં આવી હતી.
જો કે, મદદનીશ કલેકટરશ, રાજકોટ (શહેર-2) મહક જૈનના ધ્યાને આવ્યું હતું કે આ જમીન ઉપર મૂળ હુકમની શરતો મુજબ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું નથી. આ બાબતે શરતભંગ કેસ ચલાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એવું જાહેર થયું કે જે હેતુ માટે આ જમીન ફાળવવામાં આવી હતી તે હેતુ પરિપૂર્ણ થયો નથી.
આથી, મદદનીશ કલેકટર દ્વારા આ જમીન સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરકારી જમીનોના ઉપયોગ અંગેની શરતોનું પાલન ન કરનારાઓ માટે એક દાખલો બેઠો છે. વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
