સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું

પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ એક લાખથી વધુ ભક્તો…

પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ એક લાખથી વધુ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. “હર હર મહાદેવ” ના નાદથી સમગ્ર પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રી ના પવિત્ર અવસરે વિવિધ ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ધ્વજા પૂજામાં 68, સોમેશ્વર પૂજામાં 108, રુદ્રાભિષેકમાં 2077, પાઠાત્મક લઘુરુદ્રમાં 101, મહાપૂજા સામગ્રી અર્પણમાં 52 અને મહામૃત્યુંજય મંત્રજાપમાં 871 ભક્તોએ નોંધણી કરાવી હતી. ખાસ કરીને શિવ પાર્થેશ્વર પૂજામાં ત્રણ હજારથી વધુ ભક્તોએ નોંધણી કરાવી હતી, જે આ પર્વ દરમિયાન નોંધાયેલી સૌથી વધુ સંખ્યા હતી. ભક્તોએ પરિવારના સુખ, આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રુદ્રાભિષેક દરમિયાન વૈદિક મંત્રોચ્ચારથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુચારુ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભક્તોની સુવિધા માટે બેરિકેડિંગ, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવકો સતત સેવાકાર્યમાં જોડાયેલા રહ્યા હતા. સમુદ્ર કિનારે સવારના પ્રથમ કિરણો સાથે સોમનાથ મહાદેવના શિખરે લહેરાતી ધ્વજાએ ભક્તોમાં શ્રદ્ધાનો સંચાર કર્યો હતો. રાત્રે વિશેષ આરતી અને દીપપ્રજ્વલનથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. આ રીતે સોમનાથ ધામે મહાશિવરાત્રીનો મહોત્સવ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો.

સોમનાથ મહાદેવના મુખ્યમંત્રીએ દર્શન કર્યા

મહાશિવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાં ના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્ર્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.

સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં. આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજયભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *