ગોંડલના દેવચડી ગામે ખેતરમાં વીજશોક લાગતા મજૂરનું મોત, પુત્રએ માતાનો જીવ બચાવ્યો

ગોંડલ તાલુકાના દેવચડી ગામે ખેતરમાં વીજ કરંટ લાગવાથી મધ્યપ્રદેશના એક શ્રમિકનું મોત થયું છે. પત્નીને બચાવવા જતા પતિ કરંટની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે પુત્રની…

ગોંડલ તાલુકાના દેવચડી ગામે ખેતરમાં વીજ કરંટ લાગવાથી મધ્યપ્રદેશના એક શ્રમિકનું મોત થયું છે. પત્નીને બચાવવા જતા પતિ કરંટની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે પુત્રની સમયસૂચકતાથી માતાનો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, દેવચડી ગામની સીમમાં પંકજભાઈ પરષોત્તમભાઈ ધોણીયાની વાડીએ કપાસના બીજ સોંપ્યા બાદ શ્રમિક પરિવાર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન વાડીમાં મજૂરી કામ કરતા મંથલીબેન નામની મહિલા બાજુની વાડીના માલિક મનહરસિંહ રઘુભા ચુડાસમાની વાડીએ ધાર્યું લેવા જઈ રહ્યા હતા. વાડીની ફરતે બાંધેલી તારની ફેન્સિંગ લાઇન નીચેથી પસાર થતા પાવર કેબલમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે કરંટ ઉતર્યો હતો. આ લોખંડના તારને અડકી જતાં મંથલીબેનને વીજ આંચકો લાગ્યો હતો અને તેઓ ત્યાં જ ચોંટી ગયા હતા. પત્નીને શોર્ટ લાગતા જોઈ સ્થળ પર હાજર તેમના પતિ કૈલાસભાઈ સખીયાભાઈ ખરતે (આશરે 35 વર્ષ) તાત્કાલિક તેમને બચાવવા માટે દોડી ગયા હતા.

પરંતુ કમનસીબે પત્નીને પકડવા જતા કૈલાસભાઈ પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ત્યાં હાજર તેમના નાના દીકરા વીરેને સમયસૂચકતા વાપરી બાજુમાંથી લાકડી જેવી વસ્તુ ઉઠાવીને માતા મંથલીબેનને ફટકારતા તેઓ કરંટની પકડમાંથી મુક્ત થઈ ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. જોકે, પિતા કૈલાસભાઈને ગંભીર કરંટ લાગી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક કૈલાસભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ વાડીમાં ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. પિતાના અકાળ અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બનાવની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઙઈ કોન્સ્ટેબલ જ્યેન્દ્રભાઈ પરમાર અને રમેશભાઇ વાવડીયા સહિતનો સ્ટાફ તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતા ગોંડલ રૂરલ PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)નો સ્ટાફ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાવર લાઇન તેમજ વીજ જોડાણ બાબતે જરૂરી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *