માંગરોળ પંથકમાં ચાલી રહેલા ભારે વરસાદી માહોલ અને અવિરત વરસાદ વચ્ચે આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. માંગરોળના હુસેનાબાદ નદી નજીકથી પસાર થઈ રહેલા વાહનો સાથે અકસ્માતની ઘટના બની હતી.
બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું આ અકસ્માત એટલો ભયાનક અને પ્રચંડ હતો કે બાઇકોના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા અને તે સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં બાઇક સવાર શોક્ત હાસમ બુખારી નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે જ અન્ય બાઇક સવાર વાહીદ અનવર કાદરીને પણ શરીરે નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તેઓએ માનવતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતને કારણે હાઈ-વે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક લોકો દ્વારા આ અકસ્માત અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વાહીદ અનવર કાદરીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા સહિતની આગળની તજવીજ હાથ ધરી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઈ-વે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
