રાજકોટમાં આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ભયજનક બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હતા તે બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી હાલ તેનું કેમ્પસમાં જ આવેલી જુની સોઈલ ટેસ્ટીંગ લેબ અને હાલમાં પી.જી. સેન્ટર તરીકે ઓળખાય છે ત્યાં શિફટીંગ કરવામાં આવી રહ્યું છે. 1947માં બનેલા આ બિલ્ડીંગનું 2023માં રીનોવેશન થયા બાદ ત્રણ જ વર્ષમાં ભયજનક જાહેર થતાન તોડી પાડવામાં આવનાર છે. રાજકોટની એચ એન્ડ એચ.બી.કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આર. સી.વીરડીયાએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગનું જૂનું સ્ટ્રક્ચર હોવાથી સુરત RNIT દ્વારા આ બિલ્ડીંગ ને ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. જેને આધારે અમે હાલ શિફ્ટિંગ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોલેજમાં હાલ 713 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ વર્ષ 2023 માં કેમેસ્ટ્રીના બિલ્ડીંગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં બિલ્ડીંગ ભયજનક હોવાનું જાહેર થતા હવે અહીં રહેલો લેબોરેટરી સહિતનો તમામ સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. PG સેન્ટરમાં ચાર રૂૂમ છે જ્યાં 4 કેમેસ્ટ્રી લેબને શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે ત્યાંના સ્ટાફને ડી.એચ.કોલેજના એક રૂૂમમાં શિફ્ટિંગ કરવામાં આવ્યું છે.
જ્યારે મેથ્સ, સ્ટેટ અને અંગ્રેજીના સ્ટાફ રૂૂમનું હાલના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રીમાં 102 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. બોટની અને ઝૂલોજીના વિદ્યાર્થીઓ એડમીન બિલ્ડિંગમાં બેસે છે. જોકે એડમિન બિલ્ડિંગની બાજુમાં બીજું બિલ્ડીંગ રૂૂ.10.36 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે જે 31 જુલાઈ, 2026 સુધીમાં તૈયાર થઈ જશે.
શહેરના ડી.એચ કોલેજ કેમ્પસમાં આવેલી કોટક સાયન્સ કોલેજ હસ્તકના 18 બિલ્ડિંગ છે. જેમાંથી આ કોલેજના કેમેસ્ટ્રી બિલ્ડીંગ ઉપરાંત નાનજી કાલિદાસ વ્યાયામ શાળા, રેકટર બંગલો, વર્ગ -4 ના 2 ક્વાર્ટર તેમજ સ્ટોર રૂૂમ ભયજનક જાહેર થતા તેને તોડી પાડવામાં આવશે.
