પાલિકા-પંચાયતોની ચૂંટણી ટાણે જ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન

પરસોતમ સોલંકીના જન્મદિવસે મહાસંમેલનનું આયોજન, ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકોને જોડવા આયોજન ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની આગામી મે માસ આસપાસ ચૂંટણીઓ યોજાનાર છે તે પૂર્વે…

પરસોતમ સોલંકીના જન્મદિવસે મહાસંમેલનનું આયોજન, ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકોને જોડવા આયોજન

ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની આગામી મે માસ આસપાસ ચૂંટણીઓ યોજાનાર છે તે પૂર્વે કોળી સમાજના કદાવર નેતા અને રાજ્યના મંત્રી પરસોતમભાઇ સોલંકીના જન્મદિવસે કોળી સમાજ દ્વારા વિશાળ શકતી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં કોળી સમાજનું મહાસંમેલન તા.1 માર્ચના બદલે તા.22મેના રોજ પરસોતભાઇ સોલંકીના જન્મદિવસે તા.22મેના રોજ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનોની મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે આ મહાસંમેલન ‘પંચામૃત’ના પાંચ મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ચર્ચા કરશે અને સમાજને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધશે. આ પાંચ ક્ષેત્રોમાં (1)સામાજિક ક્ષેત્ર – અખંડ એકતા અને સમસ્યાઓનું નિરાકરણ, (2)શૈક્ષણિક ક્ષેત્ર – યુવાનોને શિક્ષણમાં પ્રોત્સાહન, (3)આર્થિક ક્ષેત્ર – સ્વરોજગાર અને આર્થિક સ્વાવલંબન, (4) રાજકીય ક્ષેત્ર – સમાજની રાજકીય તાકાત વધારવા વ્યૂહરચના અને (5)રમતગમત ક્ષેત્ર – યુવાનોને રમતમાં આગળ વધારવાનો સમાવેશ થાય છે.

આ આયોજન પરસોત્તમ સોલંકીની આગેવામાં થશે જ્યારે કુંવરજી બાવળિયા, હીરા સોલંકી સહિત અન્ય બીજેપી કોળી આગેવાનો પણ જોડાશે. તાજેતરમાં બગદાણા જેવા મુદ્દાઓ પર સમાજે દેખાડેલી એકતાના પગલે આ સંમેલન વધુ મહત્વનું બન્યું છે. આ મહાસંમેલનનું સ્થળ હજૂ નક્કી થયુ નથી પરંતુ પાટીદાર આંદોલન ફેઇમ અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાય તેવી શકયતા છે. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી કોળી સમાજ ઉમટી પડે તે માટે પણ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.

કોળી સમાજનું આ મહાસંમેલન આમતો સામાજિક ગણાવાઇ રહ્યુ છે. પરંતુ ચૂંટણીઓ સમયે જ યોજાઇ રહેલ આ મહાસંમેલનને રાજકીય શકિત પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને પણ આ સંમેલનનું મહત્વ વધી જાય છે. ખાસ કરીને બગદાણામાં કોળી યુવાન ઉપર લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના પુત્રના ઇશારે થયેલ હિચકારા હુમલાની ઘટનામાં સરકાર દ્વારા માયાભાઇ તરફી અપનાવાયેલા વલણના કારણે કોળી સમાજમાં અંદરખાને ભારે નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આ સંમેલનમાં કેવા સુર નીકળે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *