ચાર લોકોને ગંભીર ઈજા, સાયલા પાસે બનાવ
ખેડા જિલ્લાના ખાત્રજ ગામે રહેતો પરીવાર વતન રાજકોટના ભુપગઢમાં ધાર્મીક પ્રસંગ પુર્ણ કરી પરત જતો હતો. ત્યારે સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર વસ્તડી પાસે ટેલરે ઠોકર મારતા કાર પલટી ખાઈને બંધ એસ.ટી.બસ સાથે અથડાતા વૃધ્ધાનું મોત થયુ છે. જયારે બાળકી સહિત 3 મહિલાઓને ઈજાઓ પહોંચી છે. મુળ રાજકોટ જિલ્લાના ભુપગઢ ગામના 66 વર્ષીય અશોકભાઈ કેશુભાઈ સીંધવ હાલ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાત્રજ ગામે રહે છે.
વતન ભુપગઢમાં ધાર્મીક પ્રસંગ પુર્ણ કરી તેઓ પરીવાર સાથે કારમાં તા. 11ના રોજ સાંજે ખાત્રજ જવા નીકળ્યા હતા. જેમાં તેમની સાથે તેમના માતા શાંતાબેન, પત્ની શીતલબેન, દિકરી નીરાલીબેન, નેહલબેન તથા પૌત્રી કૈરવી હતા. શાંતાબેન આગળની સીટમાં ડ્રાઈવર પાસે બેઠા હતા. કાર મોડી સાંજના સમયે સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર વચ્ચેની લાઈનમાં પસાર થતી હતી. ત્યારે વઢવાણ તાલુકાના વસ્તડી પાસે પ્રથમ લાઈનમાં એક એસ.ટી.બસ બંધ હાલતમાં ઉભી હતી. અને તેની પાછળ બાવળ તથા પથ્થરોની આડશ મુકી હતી. જયારે પ્રથમ લાઈનમાં એક લાંબુ ટેલર પસાર થતુ હતુ.
આ ટેલર ચાલકે અચાનક સાઈડ આપ્યા વગર પોતાની લાઈન ચેન્જ કરતા અશોકભાઈની કાર સાથે અથડાવતા કાર પલટી મારીને પ્રથમ લાઈનમાં એસ.ટી.બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં શાંતાબેન કાર નીચે દબાઈ ગયા હતા. જયારે શીતલબેન, નીરાલીબેન, નેહલબેન અને કૈરવીને ઈજાઓ થતા તમામને સારવાર માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાતા તબીબોએ શાંતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ટેલર ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે તા. 12ના રોજ વહેલી સવારે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર એચસી જયરાજસિંહ ખેર ચલાવી રહ્યા છે.
