રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 9 ડિગ્રીએ જતા માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગે હજુ વધુ ઠંડી પડશે તેવી ચેતવણી પણ આપી છે.
અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે, પરંતુ દિવસ દરમિયાન સતત પવન ફૂંકાતા મહત્તમ તાપમાન ઘટીને 25.4 ડિગ્રી થઈ ગયું છે.શહેરનું મહત્તમ તાપમાન ગગડતા દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વધ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 5.6 ડિગ્રી અને કેશોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં પણ 9.3 ડિગ્રી તાપમાન થતા કાતિલ ઠંડીમાં લોકો ધ્રુજી ઉઠ્યા હતા. જયારે કેશોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજયના તમામ જિલ્લાઓમાં તાપમાન 1થી 2 ડિગ્રી સુધી ઘટી શકે છે.