કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયાં છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બન્યો હતો. એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં તરત જ આગ લાગી હતી. જેમાં ઘણા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બુધવાર અને ગુરુવારની રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ થયો હતો. ખાનગી સ્લીપર બસ બેંગલુરુથી ગોકર્ણ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અથડામણ પછી બસ અને ટ્રકમાં આગ લાગી હતી.
https://x.com/PTI_News/status/2004011189907738789?s=20
અથડામણ પછી આગ ઝડપથી ફેલાઈ જવાને કારણે, ઘણા મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા અને તેઓ બચી શક્યા ન હતા, જેના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની માહિતી મળતાં ડીએસપી શિવકુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓ અને ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો.
અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે બચાવ અને રાહત કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, કેટલાક મુસાફરો કોઈક રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકના ડ્રાઈવર સહિત 17 લોકો આગમાં જીવતા બળીને મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે, પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
