કર્મચારી મંડળીઓમાં જીવીકો કર્મચારી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. રાજકોટની કામગીરી સર્વશ્રેષ્ઠ છે તેમ ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ મંડળીના 60 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે અહીંની LIC કચેરીના કેમ્પસમાં યોજાયેલા રજત જયંતિ ઉજવણી સમારોહમાં સંબોધતા જણાવ્યું હતું. મંડળીની કામગીરીની પ્રશંસા કરતા જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ સંસ્થાનો પાયો મજબૂત છે તેથી જ 1965 માં સ્થપાયેલી આ સંસ્થા આજે 2025માં 60 માં વર્ષમાં પ્રવેશી અવિરત પ્રગતિ કરી રહી છે. જીવીકો ક્રેડિટ સોસાયટીના પ્રમુખ હરેશભાઈ દુધરેજીયા અને તેની ટીમને તેમણે ખૂબ ખૂબ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
2007 થી મંડળીના પ્રમુખપદે સેવા આપતા નવયુવાન પ્રમુખ હરેશભાઈ દુધરેજીયાએ મંડળીની 60 વર્ષની વિકાસગાથાની વિગતો આપતા જણાવ્યું હતું કે 1965 માં માત્ર 14 સભ્યોથી સ્થપાયેલી આ સંસ્થા આજે 2025 માં 750 જેટલા સભાસદો ધરાવે છે અને મંડળીનું કુલ ધિરાણ રૂૂપિયા 15.50 કરોડ રૂૂપિયા પહોંચ્યું છે. એલઆઇસીના રાજકોટ વિભાગના વિભાગીય વડા ડો.એમ કે દવેએ મંડળીની કામગીરીની પ્રશંસા કરી હતી અને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવનારા ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ સાથેના પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા.
આ સમારોહમાં મંડળીના સ્થાપકો પૈકીના એક માધવસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખો નરેન્દ્રભાઈ દવે, હસમુખભાઈ સાંચલા, રાજેશભાઈ સૂચક વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ તાળા, જનરલ મેનેજર વી એમ સખીયા, યજ્ઞેશભાઈ જોશી સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંડળીના મંત્રી વિજયભાઈ માંડલીયાએ કાવ્યાત્મક શૈલીમાં મંડળી વતી સૌનું સ્વાગત કર્યું હતું. સમારોહનું સંચાલન મનીષભાઈ ભટ્ટે અને આભાર વિધિ મંડળીના ઉપપ્રમુખ જયેશભાઈ ખીમાણીએ કરી હતી. કાર્યક્રમની શરૂૂઆતમાં સંગીત સંધ્યા યોજાઈ હતી તેમાં એલ.આઇ.સી પરિવારના કલાકારોએ પોતાની ગાયનકલાના ઓજસ પાથર્યા હતા. સમારોહને સફળ બનાવવા મંડળીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો સર્વ ભરતભાઈ દવે, ગીરીશભાઈ પંચાસરા, પંકજભાઈ પંડ્યા, હરેશભાઈ ખોરજા, ઊર્મિશભાઈ કોટક, ભાવેશભાઈ મહેતા અને આશિષભાઈ નિમાવતે જહેમત ઉઠાવી હતી.
