‘સીટ’એ બિલ મગાવ્યા, સંદિગ્ધ અધિકારીઓના નિવેદન લેવાની તજવીજ શરૂ, નવા રેટ કોન્ટ્રાક્ટ માટે ‘વચગાળા’નું ટેન્ડર બહાર પાડવા શરૂ થઇ તૈયારી
રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં શાસકપક્ષ ભાજપની આબરૂૂ ધુણધાણી કરતા જગંલેશ્વર ડિમોલિશન વખતે થયેલા કટકીકાંડના ઘેરા પડઘા રૂૂપે શાસકોએ તો કાજુ કતરી, ખજુર રોલ સહિતની વાનગી સાથે જયેલી જિયાફતનો અધધધ27 લાખનો ખર્ચ ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં નામંજૂર કરી દીધો છે. ખર્ચ તો નહીં જ ચુકવાય પણ આટલુ મોટુ બીલ બન્યુ કઇ રીતે? તેનુ પોસ્ટમોર્ટમ કરવામા આવનાર છે. જેને લઇને અનેકના તપેલા ચડી જાય તેવી શક્યતા છે.
બીજીબાજુ આ કટકીકાંડની તપાસ માટે ‘સીટ’(તપાસ સમિતિ)ની રચના કરવામા આવી છે. સમિતિએ સંદિગ્ધ અધિકારીઓના નિવેદન લેવાની તજવીજ શરૂૂ કરી દીધી છે. આ સાથે રેટ કોન્ટ્રાક્ટમાં જે ડબલ-ટ્રીપલ ભાવના ભ્રષ્ટાચારની ગોઠવણ અગાઉથી જ થયેલી છે તેમા પણ જડમુળથી ફેરફાર કરવાની કવાયત સાથે ‘વચગાળા’નું ટેન્ડર મગાવીને રેટ કોન્ટ્રાક્ટમાં જેટલી ચીજવસ્તુઓ છે તેના ભાવ મગાવવાની તૈયારી પણ આરંભી દેવામા આવી છે.
રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશનમાં સવા ત્રણ કરોડે પહોંચેલા કાગળ પરના ખર્ચના હિસાબમાં લાખો રૂૂપિયાનો કડદો થયો હોવાના છાંટા ઉડવાથી બચવા માટે શાસકોએ તો તપાસ કમિટી(સીટ)ની રચના કરવા હુકમ કર્યો છે. જો કે આ તપાસ કમિટીમાં ઘરના ભુવા અને ઘરના જ ડાકલાની જેમ જ્યાથી કૌભાંડના પાયા નખાયા હતા એ વહીવટી વિભાગના જ અધિકારીઓની ટીમ બનાવાઇ છે.
જો કે તટસ્થ અને સ્વચ્છ છબી ધરાવતા વેસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને સીટના વડા બનાવવામા આવ્યા છે. તેમના વડપણ હેઠળ અન્ય ચાર અધિકારીઓની ટીમ બની છે. બીજીબાજુ જંગલેશ્વર ઇસ્ટ ઝોન વિસ્તારમાં આવતા હોય ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર પથિક પટેલ અને પ્રથમથી જ શંકાના ઘેરાવામાં આવી ગયેલા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને દૂર રાખવામા આવ્યા છે.
ભોજનિયાનો ખર્ચ ટી.પી. શાખા હસ્તક, દરખાસ્ત આરોગ્ય વિભાગની
ડિમોલિશનના કટકીકાંડમાં એક પછી એક નવી નવી બાબત પ્રકાશમાં આવતી જાય છે. ટીઆરપી કાંડ બાદ ખુલ્લીને ઉઘાડી પડી ગયેલી ભ્રષ્ટાચારથી ખરડાયેલી ટાઉન પ્લાનીંગ્ શાખા ડિમોલિશનના કટકીકાંડમાં પણ તેના જ મુળિયા હોવાનું સામે આવ્યુ છે. રજવાડી જમણવારનો ખર્ચ તેમના હસ્તક નક્કી થયો હતો. જ્યારે ખર્ચના બીલ મંજૂર કરાવવાથી માંડી દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મોકલવા માટે આરોગ્ય શાખને આ કામ સોંપી દેવામા આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
લ્યો બોલો! ચા વાળાએ કાજુ કતરી સપ્લાય કરી, મનપાએ માગ્યા બિલ
ડિમોલિશન વખતે 15 રૂૂપિયામાં મળતી ચા(અડધી)ના રૂૂ.21 લેખે લાખો રૂૂપિયાની ચાનો કોન્ટ્રાક્ટ જેમને અપાયો હતો તે ‘આરાધના’ પેઢીને જમણવારમાં કાજુ કતરી પિરસવા માટે પરવાનો આપી દેવામા આવ્યો હતો. એક ચાવાળો કાજુ કતરી થોડો બનાવે? આમછતા કાજુ કતરી જેવી રજવાડી વાનગી આરાધનાના બીલમાં જ ઉમેરી દેવામા આવી છે. દેખીતી રીતે એ સ્પષ્ટ છે કે કાજુ કતરી સહિતની આવી વાનગી બીજેથી ઉપડી મનપાને પધરાવી અને વચ્ચેથી ‘મોટી મલાઇ’ કાઢી લેવામા આવી!
