જીવાપર ગામના પ્રૌઢ દવા લેવા નીકળ્યા બાદ બસ સ્ટેન્ડમાં ભરેલું પગલું
જસદણના જીવાપર ગામે રહેતા કરિયાણાના ધંધાર્થી પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. પ્રૌઢે ઘેરથી ભાવનગર દવા લેવા માટે જવાનુ કહી નીકળ્યા બાદ ગામના બસ સ્ટેન્ડમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ જીવાપર ગામે રહેતા રમેશભાઇ વશરામભાઇ તેરૈયા (ઉ.વ.52) નામના પ્રૌઢે આજે સવારે છ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડમાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે પ્રથમ કે.ડી.પરવાડીયા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનુ ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આટકોટ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઇ ત્રણ ભાઇ એક બહેનમાં નાના અને અપરિણીત હતા. તેઓ ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. આજે સવારે તેઓ ઘરેથી ભાવનગર માનસિક બીમારીની દવા લેવા માટે જવાનુ કહી નીકળ્યા બાદ બસ સ્ટેન્ડમાં આ પગલું ભરી લીધું હતું. ધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધાનુ પરિવારજનોએ જણાવ્યુ હતું.
