રાજકોટ ખાતે રહેતા એક આસામીને કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે રાજકોટમાં રહેતા નિર્મળભાઈ નામના એક યુવાને દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તારીખ 25 ઓક્ટોબર 2025ના રોજ રાત્રિના સમયે તેમને એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો. તેઓ અવારનવાર સાધુ-સંત સાથે રહેતા હોય, તેની સાથે એક બાપુનો સંપર્ક થયો હતો. ત્યારે ફોનમાં વાત કર્યા મુજબ ઉપરોક્ત બાપુએ તેમને કહેલ કે ગુરુ દાદા સાથે વાત કરો, તેની પાસે રિદ્ધિ સિદ્ધિ મળશે અને તેઓ આશીર્વાદ આપશે. આ બાબતે બાપુ અને ગુરુ વિગેરે સાથે નિર્મળભાઈ બે દિવસ સંપર્કમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમને ફોન કરીને કહેલ કે આવતીકાલે દ્વારકા આવો. ગુરુ દાદાએ તમને બોલાવ્યા છે અને તમારા દાગીના, સવા શેર ઘી, મીઠાઈ, પાંચ ફળ, ફૂલના હાર, ચોખા તથા પાણીની બોટલ સાથે લઈને આવજો.
આ પછી ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ સવારના સમયે નિર્મળભાઈ, તેમના પત્ની તથા પુત્રી દ્વારકા ગયા હતા. જ્યાં સાંજે પહોંચ્યા બાદ તેઓએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. એ પછી સાંજના આશરે સાતેક વાગ્યાના સમયે તેમને ચોક્કસ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તેઓએ દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર નાગેશ્વર રોડ પર આવેલા ધ્રાસણવેલ ગામની સીમમાં પહોંચ્યા હતા. રાત્રિ જેવા સમયે અહીં ઊભા રહેલા એક અજાણ્યા શખ્સએ તેમને ગાડીમાંથી નીચે ઉતારીને બાવળની જાળીમાં અંદરની સાઈડ લઈ ગયા હતા. જ્યાં અંધારામાં બે શખ્સો મોઢા ઉપર ભભૂતિ લગાડીને બેઠા હતા અને તેમને કહ્યું હતું કે શું લઈને આવ્યા છો? જેથી તેઓએ મીઠાઈ, ઘી સહિતની ચીજ વસ્તુઓ આપી દીધી હતી.
ત્યાર બાદ અહીં રહેલા ભભૂતિધારી અને સાધુ જેવા બે દેખાતા શખ્સોએ બધું સળગાવી અને ભડકો કર્યો હતો. તેઓએ યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઈ, અને વિધિ જેવું કરતા એક શખ્સ જમીન ઉપર તરફડિયા મારવા લાગ્યો હતો અને બીજાએ કહેલ કે આનો જીવ બચાવવા માટે તમે સાથે લાવેલા દાગીના શુધ્ધ કરવા પડશે. તેમ કહેતા નિર્મળભાઈના પત્નીએ ચાર નંગ સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સહિત આશરે 7 થી 8 તોલાના દાગીના તેઓને આપી દીધા હતા.
આશરે રૂૂ. આઠ લાખ જેટલી કિંમતના દાગીના તેઓએ બોક્સમાં મુકાવી આ સોનુ શુદ્ધ થઈ જશે તેમ કહી બીજા દિવસે તમને આ દાગીના રાજકોટ – જામનગર રોડ ઉપર ઘંટેશ્વર રોડ પર આપી જવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી આશરે બે માસ જેટલો સમય થઈ ગયા પછી પણ ઉપરોક્ત શખ્સોએ તેઓના સોનાના દાગીના પરત ન આપતા અને તેમનો ફોન પણ બંધ હોવાથી આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. વર્તમાન સમયમાં આ પ્રકારે કહેવાતી ધાર્મિક વિધિ તેમજ થતી છેતરપિંડીના પણ બનાવે ભારે ચર્ચા જગાવી છે.
