9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અડધી સદી ફટકારી
જેતપુરના યુવા પ્રતિભાશાળી ક્રિકેટર દર્શ આશિષભાઈ હીરપરાએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની શાનદાર રમતથી જેતપુરનું નામ રોશન કર્યું છે. CBSE ક્લસ્ટર ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સાઉથ ઝોન માટે પસંદગી પામેલા દર્શ હીરપરાએ રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ મેચમાં જ આક્રમક બેટિંગનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં માત્ર 30 બોલમાં 59 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. દર્શે પોતાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 196.67ના શાનદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેની આ વિસ્ફોટક બેટિંગ યુવા ક્રિકેટર તરીકેની પ્રતિભા, આત્મવિશ્વાસ અને આક્રમક રમતનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
દર્શ હીરપરા જેતપુરના જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક સેવક તરીકે ઓળખાતા રાજુભાઈ હીરપરાના પૌત્ર તથા આશિષભાઈ હીરપરાના પુત્ર છે. નાની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ સમગ્ર હીરપરા પરિવારની સાથે જેતપુર શહેર અને સૌરાષ્ટ્ર પંથક માટે પણ ગૌરવપૂર્ણ બની છે.
