જામનગર નજીક આવેલા દરેડ ગામ ખાતે ધાર્મિક અને સામાજિક ઉત્થાનના ઉમદા હેતુ સાથે કાર્યરત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના ઉપક્રમે એક અત્યંત પાવન અને ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.
શારદાપીઠ દ્વારકાના જગદ્ગગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારા સંચાલિત તક્ષશીલા સંકુલના પ્રાંગણમાં, ભગવાન પરશુરામના ભવ્ય મંદિર પપરશુરામ ધામથના શિલાન્યાસનો ભવ્યાતિભવ્ય સમારોહ જગદ્ગગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની દિવ્ય અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર બની રહ્યું હતું.
આ ગૌરવપૂર્ણ સમારોહમાં જગદ્ગગુરુ શંકરાચાર્યજી મહારાજની પાવન ઉપસ્થિતિ ઉપરાંત, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરા, જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ, સ્થાનિક ધારાસભ્યો સર્વ રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, અને પબુભા માણેક, ગુજરાતના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ વિનોદભાઈ ભંડેરી સહિત અનેક અગ્રણી રાજકીય નેતાઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસ વિધિનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે સમગ્ર બ્રહ્મ સમાજ અને ધર્મપ્રેમીઓ માટે એક આનંદનો અવસર બન્યો હતો.
નિર્માણાધિન થનાર આ ભવ્ય પરશુરામ ધામ માત્ર ભગવાન પરશુરામનું મંદિર જ નહીં રહે, પરંતુ તેમાં ભગવાન પરશુરામની મુખ્ય પ્રતિમાની સાથે સાથે ભગવાન ગુરુદત્તાત્રેયજી અને આદ્ય શંકરાચાર્યજીની પ્રતિમાઓને પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મંદિર આધ્યાત્મિક કેન્દ્ર બનવાની સાથે સાથે સમાજ માટે પ્રેરણાસ્રોત પણ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજના ઐતિહાસિક શિલાન્યાસ સમારોહમાં જામનગર શહેર અને જિલ્લાના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, કોર્પોરેટરો, જામનગરના શ્રેષ્ઠીઓ, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભૂદેવો પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહી આ પુણ્યકાર્યના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમના અંતે, આજના શિલાન્યાસ સમારોહની પૂર્ણાહુતિ બ્રહ્મચોર્યાસી (મહાપ્રસાદ) ના ભવ્ય આયોજન સાથે કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો અને ઉપસ્થિત મહાનુભાવોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ જામનગરમાં ધાર્મિક અને સામાજિક સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.
