દિવાળીના તહેવારોમાં આ વર્ષે ગિફ્ટિંગના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રૂટ્સના (સૂકો મેવો) ભાવમાં તોતિંગ વધારો થતાં વેપારીઓ અને કોર્પોરેટ કંપનીઓએ તેમના ગિફ્ટ હેમ્પર્સમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
કોર્પોરેટ ગિફ્ટિંગનું બજેટ મોટાભાગે સમાન રહ્યું છે, પરંતુ ગિફ્ટ બોક્સમાં અપાતી વસ્તુઓની માત્રા અને વિવિધતા ઘટી ગઈ છે. મોંઘા ડ્રાયફ્રૂટ્સની જગ્યા હવે ચોકલેટ, ડિહાઇડ્રેટેડ ફ્રૂટ્સ, મીઠાઈ અને નમકીન લઈ રહ્યા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની દિવાળીની સરખામણીમાં આ વર્ષે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 40 થી 50 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે તેના વેચાણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
આ ભાવવધારાની સીધી અસર કોર્પોરેટ ગિફ્ટિંગ પર પડી છે. 1,000 રૂૂપિયાના બજેટવાળા હેમ્પરમાં હવે ખરીદદારોને ઓછી વસ્તુઓ મળી રહી છે. જે બોક્સમાં અગાઉ છ અલગ-અલગ વેરાયટી આવતી હતી, તે હવે ઘટીને બે કે ત્રણ થઈ ગઈ છે.કંપનીઓ એક કે બે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સની સાથે કિસમિસ, ડિહાઇડ્રેટેડ કીવી, સફરજન, કેરી, નારંગી, સ્ટ્રોબેરી અથવા મ્યુસલી (ળીયતહશ) નું કોમ્બિનેશન બનાવી રહી છે.
ઘણી કંપનીઓ મોટા બોક્સના બદલે આકર્ષક પેકેજિંગવાળી નાની કાચની બરણીઓ પસંદ કરી રહી છે.અરુણાયા ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, વ્યવસાયો હવે કસ્ટમાઇઝ્ડ કોમ્બિનેશન તરફ વળી રહ્યા છે.
“અગાઉ અમે દિવાળીની શુભેચ્છા સાથે માત્ર ડ્રાયફ્રૂટ્સ જ મોકલતા હતા. પરંતુ ભાવ વધવાને કારણે અમે આ વર્ષે કસ્ટમાઇઝ્ડ ગિફ્ટના નવા ટ્રેન્ડને અપનાવ્યો છે, જેમાં ડ્રાયફ્રૂટ્સની સાથે મીઠાઈ અને નમકીન મિક્સ કરવામાં આવે છે.”
ગિફ્ટ હેમ્પર્સમાં 600 થી 1,000 રૂૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ચોકલેટ્સ હવે કોર્પોરેટ જગત માટે એક સસ્તો અને સારો વિકલ્પ બની રહી છે. બીજી તરફ, હેન્ડક્રાફ્ટ ગિફ્ટ બોક્સ (પેકેજિંગ) ના ભાવ જે અગાઉ 250 થી 300 રૂૂપિયા હતા, તે પણ હવે વધીને 350 થી 400 રૂૂપિયા થઈ ગયા છે, જેણે કંપનીઓના બજેટ પર વધુ દબાણ ઊભું કર્યું છે.
ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સેક્રેટરી ડો. હિરેન ગાંધીના જણાવ્યા અનુસાર, ડ્રાયફ્રૂટ્સના ભાવ વધવા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે. તેમણે કહ્યું કે શિપિંગ અને ઇન્સ્યોરન્સના ખર્ચમાં 50 થી 60 ટકાનો વધારો થયો છે અને ટ્રાન્ઝિટ સમય (માલ પહોંચાડવાનો સમય) ત્રણ ગણો વધી ગયો છે. નોંધનીય છે કે, ભારતમાં આયાત થતી બદામમાંથી 55% થી વધુ અમેરિકાથી અને આશરે 20% ઈરાનથી આવે છે. પિસ્તા પણ આ બંને દેશોમાંથી મંગાવવામાં આવે છે, જેમાં ઈરાનનો હિસ્સો સત્તાવાર આંકડાઓ કરતા વધુ હોઈ શકે છે.
