જામનગર જિલ્લા ના મેઘપર પોલીસ સ્ટેશન માંથી ડ્રગ્સ ના ગુન્હા નો આરોપી નાસી ગયા પછી પંજાબ થી પુન: ઝડપાઈ ગયો છે. જે આરોપી ને જામનગર પરત લવાયો છે.
જામનગર નજીક ના મોટી ખાવડી ગામ નજીક થી થોડા દિવસ પહેલાં એસઓજીએ પંજાબના ચાર શખ્સને 418 ગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ ને મેઘપર પોલીસ સ્ટેશન ના હવાલે કરવામાં આવ્યા હતા. જેમાંથી વિશાલસિંગ જશવીરસિંગ મટુ નામનો આરોપી ગઈ તા.7 ની સાંજે પોલીસ ના જાપ્તા હેઠળ થી નાસી ગયો હતો.
આ શખ્સ નાસી ગયાની જાણ કરાતા મેઘપર પોલીસ ઉપરાંત એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટૂકડીઓએ નાકાબંધી કરાવી હતી. તેમ છતાં વિશાલસિંગ હાથમાં આવ્યો ન હતો તે પછી મેઘપર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસ ની અલગ-અલગ ટુકડીઓ દ્વારા આરોપી ની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસને એવી બાતમી મળી હતી કે આરોપી તેના વતનમાં પહોંચી ગયો છે. આથી જામનગર થી પોલીસ ટુકડી પંજાબ પહોંચી હતી, અને આરોપી ને તેના વતન માંથી ઝડપી લીધો હતો, અને તેને જામનગર લાવવામાં આવ્યો છે.
