ગુરુ દત્તાત્રેય શિખરના મહંત્ત મહેશગીરી બાપુના ચોંકાવનારા આક્ષેપો… જાગો સનાતનીઓ નહીંતર ભવનાથમાં પગ નહીં મુકી શકો
સીતાવનની 2000 વાર જમીન સરકારે જૈન સંપ્રદાયને આપી દેતા ભડકો, 23મીએ જિલ્લા કલેકટરને આવેદન આપી નોંધાવશે વિરોધ
હિંદુઓની આસ્થા સાથે જોડાયેલી જુનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં આવેલી સિતાવનની બે હજાર વાર જમીન અન્ય સંપ્રદાયને ફાળવી દેવામાં આવતા સાંપ્રદાયીક ભડકો સર્જાયો છે અને ગુરૂ દતાત્રેય શિખરના મહંત મહેશગીરી બાપુએ એક વીડીયો વાયરલ કરી અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સાથોસાથ સનાતનીઓને જાગવા અપીલ કરી જણાવ્યું છે કે, જો સનાતનીઓ અત્યારે નહીં જાગે તો આગામી સમયમાં ભવનાથ તળેટીમાં પગ પણ મુકી શકશે નહીં.
દિલ્હીના ભાજપના પૂર્વ સાંસદ અને વર્ષોથી દતાત્રેય શિખરમાં સેવા-પૂજા કરતા મહેશગીરી બાપુએ વીડીયોમાં કેટલાક ગંભીર આક્ષેપો કરી સનાતનીઓને લાલબતી ધરી છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ ભડકવાના એંધાણ દર્શાવાઇ રહ્યા છે.
પવિત્ર ગિરનાર પર્વત પર આવેલી ધાર્મિક જગ્યાઓ પર અન્ય સંપ્રદાયો દ્વારા કબજો કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુ દત્તાત્રેય શિખરના મહંત મહેશગિરી બાપુએ એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મ ખતરામાં હોવાની ચેતવણી આપી છે.
મહેશગિરી બાપુએ આક્ષેપ કર્યો છે કે ગિરનારની પવિત્ર જગ્યાઓ ધીમે-ધીમે અન્ય સંપ્રદાયોને વેચવામાં આવી રહી છે. ખાસ કરીને સીતાવન પાસેની અંદાજે 2000 વાર જેટલી જમીન જૈન સંપ્રદાયને સોંપી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. બાપુએ જૂનાગઢના સ્થાનિક રહેવાસીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગિરનારની એક-એક ઇંચ જમીન અને મંદિરો પર કબજા થઈ રહ્યા છે, નામો બદલાઈ રહ્યા છે, છતાં લોકો હજુ જાગૃત નથી થયા.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો અત્યારે પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં સનાતનીઓ માટે ભવનાથ તળેટીમાં પગ મૂકવો પણ મુશ્કેલ બની જશે. તાજેતરમાં અંબાજી શક્તિપીઠમાં દારૂૂ અને નોનવેજ પાર્ટીના વાયરલ થયેલા વીડિયોનો ઉલ્લેખ કરતા તેમણે આ ઘટનાને સનાતન ધર્મ માટે લાંછનરૂૂપ ગણાવી હતી.
આ ગંભીર મુદ્દે આગામી 23મી એપ્રિલના રોજ મોટી સંખ્યામાં સનાતનીઓ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. મહેશગિરી બાપુએ તમામ ધર્મપ્રેમી જનતાને આ લડતમાં જોડાવા આહવાન કર્યું છે.
વીડિયોમાં મહેશગિરી બાપુ દ્વારા જણાવાયું હતું કે, “ગિરનારના જે ધાર્મિક સ્થળો છે, જે જગ્યાઓ છે તે હવે ધીમે-ધીમે અન્ય સંપ્રદાયોના કબજામાં જઈ રહી છે. સનાતન ધર્મ અત્યારે ગંભીર જોખમમાં છે. મને એ વાતનું દુ:ખ છે કે જૂનાગઢના લોકો હજુ કેમ મૌન છે? હાલમાં જ સીતાવન પાસેની બે હજાર વાર જેટલી જમીન અન્ય સંપ્રદાયને આપી દેવામાં આવી છે. આ રીતે ગિરનારની એક-એક ઇંચ જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે. મંદિરોના નામ બદલાઈ રહ્યા છે.
અંબાજી મંદિરમાં જે પ્રકારે દારૂૂ અને નોનવેજની પાર્ટીઓ થઈ, તેનાથી વધુ શરમજનક બીજું શું હોઈ શકે? જો તમે આજે નહીં જાગો, તો યાદ રાખજો કે આવનારા સમયમાં તમે ભવનાથ તળેટીમાં પગ પણ નહીં મૂકી શકો. અત્યારે પણ તળેટીના અન્નક્ષેત્રો અન્ય સંપ્રદાયોની દયા પર ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ છે. હું તમામ સનાતનીઓને વિનંતી કરું છું કે 23 તારીખે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડે અને આ અતિક્રમણ સામે અવાજ ઉઠાવે. ગિરનારને બચાવવો એ આપણા સૌની જવાબદારી છે.”
ગિરનારમાં કયા કયા સ્થળોના નામો બદલી નખાયા?
વીડીયોમાં મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે ગીરનારના દતાત્રેયનું નામ નેમિનાથ, ઓઘડ શિખરનું નામ પ્રદ્યુમનકુનાર, ગોરખનાથનું અનિરૂધ્ધકુમાર, તેમજ અંબાજીનું નામ પદ્માવતી, ‘સીતાવનનું નામ સહસાવન તેમજ ભવનાથ તળેટીનું નામ જય તળેટી કરી દેવાયું છે.
