ફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળી

અયોધ્યા સર્કલ પાસે અડધો કલાક ઉત્પાત મચાવી ટ્રાફિકજામ કર્યો, એક શખ્સ કારમાં નાસી છુટયો, બીજાને પોલીસે પોખ્યો 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે…

અયોધ્યા સર્કલ પાસે અડધો કલાક ઉત્પાત મચાવી ટ્રાફિકજામ કર્યો, એક શખ્સ કારમાં નાસી છુટયો, બીજાને પોલીસે પોખ્યો

150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે ગઈકાલે નશાખોરોએ ભારે આતંક મચાવ્યો હતો. કાળા રંગની ’મસ્તાન’ લખેલી સ્કોર્પિયો ગાડીમાં આવેલા બે શખ્સોએ ફૂડ સ્ટ્રીટમાં નાસ્તો કરી રહેલા નિર્દોષ પરિવારો અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી બીભત્સ ગાળો આપી હોવાની ઘટના સામે આવી છે.નશામાં ચિક્કાર આ શખ્સોએ માત્ર લોકો સાથે જ નહીં, પરંતુ ત્યાં વ્યવસાય કરતા ફૂડની લારીના ધારકોને પણ શટર પાડી દેવાની ધમકી આપી ભયનો માહોલ ઉભો કર્યો હતો.

સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ શખ્સોએ એટલો નશો કર્યો હતો કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નહોતો અને ગાડીમાં પણ દારૂૂ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.ઘટનાની ગંભીરતા જોતા જ્યારે સ્થાનિક લોકો એકઠા થવા લાગ્યા ત્યારે પકડાઈ જવાની બીકે સ્કોર્પિયોનો ચાલક ગાડી લઈને નાસી છૂટ્યો હતો. જોકે, તેનો સાથીદાર ત્યાં જ રોકાઈ ગયો હતો અને તેણે જાહેરમાં રસ્તે ચાલતા વાહનચાલકો સાથે ગાળાગાળી કરી ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ હંગામાના કારણે વ્યસ્ત ગણાતા આ માર્ગ પર અંદાજે અડધો કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ખાસ કરીને ચૂંટણીના માહોલમાં આવી અસામાજિક પ્રવૃત્તિને કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.આ કપરી પરિસ્થિતિમાં ભોગ બનનારે તુરંત 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગઢવીની કુનેહપૂર્વકની રાહબરી હેઠળ પીસીઆર વેનના જવાન અજિતસિંહ પરમાર અને તેમની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી જઈ, ભાગવા જઈ રહેલા પીધેલા શખ્સને ઝડપી પાડ્યો હતો.તેમજ હાલ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં કાળા રંગની સ્કોર્પિયો લઈને ફરાર થઈ ગયેલા બીજા શખ્સને પકડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સક્રિય થઈ છે અને ગાડી નંબરને આધારે તેમજ અયોધ્યા ચોક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

રાજકોટ પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઘટનામાં જોવા મળ્યું છે. પીઆઈ એચ.પી. ગઢવીએ આ બાબતે કડક વલણ દાખવી જણાવ્યું છે કે, લોકોની સુરક્ષા એ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.અયોધ્યા ચોક ખાતે પેટ્રોલિંગ વધારવામાં આવશે.પોલીસની આ સક્રિયતા અને પોઝિટિવ અભિગમને કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *