મીઠાના વેપાર, હોટલ અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલ દેવ ગ્રૂપ અને તેના ભાગીદારોના 15થી વધુ સ્થળે તપાસ
“રાજકોટ આવકવેરા વિભાગનું 2025માં પ્રથમ ઓપરેશન”
રાજકોટ આવકવેરા વિભાગે વર્ષ 2025નું પ્રથમ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં દેવગૃપ ઉપર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા છે. રાજકોટ, અમદાવાદ, માળિયા અને જામનગરમાં આશરે 15થી વધુ સ્થળે રાજકોટ આવકવેરા વિભાગની ટીમના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતાં. અને આજે સવારથી જ સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મીઠાના વેપાર ઉપરાંત હોટલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગૃપના હિરેન જ્હાલા અને બી.એસ. જ્હાલા સાથે જોડાયેલા તેમના ભાગીદારોને ત્યાં પણ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરોડાના પ્રારંભમાં જ આવકવેરા વિભાગને રાજકોટમાંથી મહત્વના દસ્તાવેજો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ આવકવેરા વિભાગની ટીમે દેવગૃપ ઓફ કંપનીને ત્યાં આજે સવારથી જ દરોડા પાડ્યા છે. માળિયામાં 10 હજાર એકરમાં આવેલ મીઠાની ફેક્ટરી ધરાવતા દેવગૃપના હિરેન જ્હાલા અને ડી.એસ. જ્હાલા તથા તેના ભાગીદારોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે આવેલી તેમની મેઈન ઓફિસ તથા તેના ઘર ઉપરાંત માળિયામાં આવેલી ફેક્ટરી અને જામનગરમાં પણ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ખાતેની કોર્પોરેટ ઓફિસ અને તેમના નિવાસ સ્થાન ઉપરાંત જામનગર ખાતે દેવ ગૃપ ઓફ કંપનીની હાઈવે પર આવેલ હરિફૂડ મોલ તથા જામનગરની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ કલાકમાં જ આઈટીને મહત્વના દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ ખાતે એસ.જી. હાઈવે પર રાજપથ ક્લબ સામે સપથમાં આવેલ કોર્પોરેટ ઓફિસ ઉપરાંત અમદાવાદના બોપલ ખાતે આવેલી ઓફિસ તેમજ જામનગર-દ્વારકા હાઈવે પર વસઈ ટોલ પાસે આવેલ ઓફિસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતાં.
દેવ ગ્રૂપના રાજકોટના એક નામાંકિત પરિવાર સાથે ગાઢ સંબંધો
અમદાવાદ ખાતે કોર્પોેટ ઓફિસ તેમજ માળિયા મીયાણા ખાતે 10 હજાર એકરમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતા દેવગૃપના રાજકીય સબંધો પણ ખુબ ગાઢ છે. ગુજરાતના એક મોટા રાજકીય અગ્રણી સાથે કનેક્શનધરાવતા દેવગૃપના માલિકો મધ્યપ્રદેશના એક રાજવી પરિવારમાંથી આવતા હોય રાજકોટના એક નામાંકિત પરિવાર સાથે પણ આ દેવગૃપના નજીકના ગાઢ સબંધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે દેવગૃપ સાથે સબંધ ધરાવતા આ રાજકોટના નામાંકિત પરિવારને ત્યાં પણ આવકવેરા વિભાગ તપાસ કરશે કે કેમ તે મુદ્દો હોટ ટોપિકબન્યો હતો.
