અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસો

તસ્કર પાસેથી 6.30 લાખનો મુદ્દામાલ જપ્ત, યુનિ. પોલીસ અને એલસીબીની ટીમે છ દિવસ રેકી કરી આરોપીને પકડ્યો શહેરના યુનિવર્સિટી રોડ પરના બંધ મકાનોને નિશાન બનાવતી…

તસ્કર પાસેથી 6.30 લાખનો મુદ્દામાલ જપ્ત, યુનિ. પોલીસ અને એલસીબીની ટીમે છ દિવસ રેકી કરી આરોપીને પકડ્યો

શહેરના યુનિવર્સિટી રોડ પરના બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકી સક્રિય થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી.ખાસ કરીને માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના બનાવોને પગલે નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર આર.એસ. બારૈયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. સતત છ દિવસ સુધી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી અમદાવાદના નારોલ વિસ્તારમાં છુપાયેલો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર સી.એન. દવે અને પી.એસ.આઈ. વી.જી. ડોડીયાની ટીમે તાત્કાલિક અમદાવાદ પોલીસનો સંપર્ક સાધી નારોલના રંગોલી નગરમાં અને રાજકોટમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રહેતા આરોપી માલાભાઇ નાથાભાઇ સમેચા (દેવીપૂજક, ઉ.વ. 48) ને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ શખ્સે ગાંધીનગરના સેક્ટર-7 માંથી આફ્રિકા રહેતા પરિવારના બંધ મકાનમાંથી ₹1,00,27,556/- (એક કરોડથી વધુ) ની મત્તાની ચોરી કરી હતી.તેને નારોલ પોલીસે પકડી લીધો હતો અને બાદમાં રાજકોટના યુનિવર્સીટી પોલીસના પીઆઇ દવે અને એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ. ઝાલાની ટીમે આરોપીને રાજકોટ લાવી તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે, અઢાર દિવસ પહેલા બોમ્બે હાઉસિંગ સોસાયટીની શેરી નંબર 2 માં અને ચૌદ દિવસ પહેલા તે જ સોસાયટીના અન્ય એક બંધ મકાનમાંથી તેણે ચોરી કરી હતી. પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે આ રીઢો તસ્કર લાંબો સમય કાયદાની પકડથી દૂર રહી શક્યો નહીં.

આ ઓપરેશનમાં પોલીસે આરોપી પાસેથી કિંમતી ચાંદીની વસ્તુઓ કબજે કરી છે, જેમાં 335 ગ્રામની ચાંદીની કટાર, અંદાજે 1.2 કિલો વજનના ચાંદીના 6 ગ્લાસ, 723 ગ્રામની ચાંદીની ટ્રે, ચાંદીની નોટો, રાધાકૃષ્ણની મૂર્તિ અને 20 જેટલા ચાંદીના રાણી સિક્કાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દામાલની કુલ કિંમત 6.30 લાખ અંકાય છે.
પોલીસની આ કામગીરીમાં પીઆઇ સી.એન.દવે,પીએસઆઈ વી.જી.ડોડીયા અને ડીસીપી ઝોન.2ના પીએસઆઇ આર.એચ.ઝાલા એ.એસ.આઈ. જગમાલભાઇ ખટાણા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા સહિતની ટીમે દિવસ-રાત એક કરીને છ દિવસમાં આરોપીના ગુનાહિત કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. હાલમાં પોલીસ આ આરોપીના અન્ય કોઈ સાગરીતો છે કે કેમ અને તેણે અન્ય કયા સ્થળોએ હાથફેરો કર્યો છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

ગુનાહિત ઇતિહાસ: 21 થી વધુ કેસોમાં સંડોવાયેલો ‘આદતથી મજબૂર’ તસ્કર
પકડાયેલ આરોપી માલાભાઇ સમેચા કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલો રીઢો ગુનેગાર છે. તેની તપાસ દરમિયાન સામે આવ્યું કે તેની સામે અગાઉ પાટણ, ગાંધીધામ (કચ્છ પૂર્વ), સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં 21 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2017 થી 2026 સુધીના ગાળામાં તેણે પાટણ સીટીના બી-ડિવિઝનમાં જ અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે વર્ષ 2025 માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, છતાં જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે ફરી ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. સામખીયારી અને ભચાઉ પંથકમાં પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે તે આંતર-જિલ્લા ઘરફોડ ચોરી કરનારી ગેંગનો મુખ્ય હિસ્સો રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *