ગુજરાત ભાજપના નવા પ્રમુખ-સંગઠનનો કાલે ‘લિટ્મસ ટેસ્ટ’

શું પાટીલ જેવું ધુરંધર રિઝલ્ટ જોવા મળશે? નવા સુકાનીની રાજકીય પીચ પર અગ્નિપરીક્ષા સંગઠનની શક્તિનો ચિતાર મળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ગુજરાત ભાજપમાં સંગઠન પર્વ…

શું પાટીલ જેવું ધુરંધર રિઝલ્ટ જોવા મળશે? નવા સુકાનીની રાજકીય પીચ પર અગ્નિપરીક્ષા

સંગઠનની શક્તિનો ચિતાર મળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં

ગુજરાત ભાજપમાં સંગઠન પર્વ અને નવા માળખાની રચના બાદ હવે અસલી ખેલ શરૂૂ થવા જઈ રહ્યો છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમ માટે પ્રથમ મોટો ‘લિટમસ ટેસ્ટ’ માનવામાં આવી રહ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જે રીતે ગુજરાતમાં 156 બેઠકોનો ઐતિહાસિક વિજય અપાવીને એક ‘ધુરંધર ઇનિંગ’ રમી હતી, તેવા જ આક્રમક અંદાજમાં નવું સંગઠન પરિણામ બતાવી શકશે કે પછી ટેસ્ટ મેચની જેમ ધીમી પણ મક્કમ શરૂૂઆત કરશે, તેના પર રાજકીય વિશ્ર્લેષકોની નજર ટકેલી છે.

ભાજપ માટે ગુજરાત હંમેશા ગઢ રહ્યો છે, પરંતુ નવા પ્રમુખ સામે સૌથી મોટો પડકાર કાર્યકરોમાં એ જ જૂનો ઉત્સાહ જાળવી રાખવાનો અને પાટીલ દ્વારા સેટ કરવામાં આવેલા ’પેજ કમિટી’ના મોડેલને વધુ મજબૂત બનાવવાનો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય બાદ ઉમેદવારને જાહેર કરવા બાબતે ઘણો વિલંબ જોવા મળ્યો હતો. અમુક ગણ્યા ગાઠયા કાર્યકરો પક્ષ છોડીને ભાગ્યા હતાં અથવા તો અમુક નિષ્ક્રીય પણ બની ગયા છે. પાટીલના સમયમાં શિસ્ત અને ડેટા મેનેજમેન્ટ પર ભાર હતો, શું નવી ટીમ આ ટેકનોલોજી અને શિસ્તને આગળ વધારી શકશે?

હાલમાં જ જાહેર કરેલ નવા સંગઠનમાં કોને સ્થાન મળ્યું છે અને તેઓ જમીની સ્તરે કેટલા સક્રિય છે,
તેની કસોટી આવતીકાલે મતદાનમાં થઈ જવાની છે. રાજકારણની પીચ પર રન બનાવવા કરતાં વિકેટ ટકાવી રાખવી અને સતત આક્રમક રહેવું એ ગુજરાત ભાજપની ફિતરત રહી છે. નવા પ્રમુખ માટે પાટીલનો વારસો સંભાળવો એ કાંટાની તાજ સમાન છે.

રાજકીય ગલીયારામાં ચર્ચા છે કે નવી ટીમ કદાચ પાટીલ ટીમની જેમ ચૂંટણી પરિણામ નહીં મેળવી શકે, જો કે કોઈ મોટા મુદ્દા વગર ચૂંટણીમાં સંગઠન કેટલું સફળ રહ્યું તેનું પરિણામ મંગળવારે મત ગણતરીમાં ખબર પડી જશે. આવતીકાલનો આ ટેસ્ટ માત્ર પ્રમુખનો જ નહીં, પણ સમગ્ર સંગઠનના માળખાની મજબૂતીનો પુરાવો આપશે.

હવે જોવાનું એ રહેશે કે, શું આવતીકાલે ભાજપનું નવું સંગઠન પાટીલની જેમ ’ક્લીન સ્વીપ’ કરવાની ક્ષમતા બતાવે છે કે પછી નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે. સૌની આંખો હવે આવતીકાલના મતદાન અને મંગળવારના પરિણામ પર રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *