કોઠારિયા રોડ પર પરિણીતાએ પતિ અને મિત્રના ત્રાસથી આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

રાજકોટમાં કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ. 24) એ ગઈ તા. 15/11 ના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે…

રાજકોટમાં કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ. 24) એ ગઈ તા. 15/11 ના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના ભાઈ અભિષેક તુષારભાઈ વ્યાસ(ઉ.વ. 28 રહે. ન્યુ રાણીપ, અમદાવાદ) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડોલીબેનના પતિ અમિત ચંદ્રકાંતભાઈ આચાર્ય (રહે. હડમતીયા તા. ગોંડલ) અને જય મનોજભાઈ સોનગરા (રહે. રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અભિષેકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાઈ બહેનના પરિવારમાં તે મોટા હતા અને તેમની બહેન ડોલી નાની હતી. જેના લગ્ન વર્ષ 2021 માં અમિત આચાર્ય સાથે થયા હતા અને છેલ્લા દોઢે વર્ષથી બહેન રાજકોટ રહેતી હતી. તારીખ 15/11 ના સાંજના સાતેક વાગ્યા આસપાસ યુવાન ગાંધીનગર હતો ત્યારે બનેવી અમિતકુમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મેં અને તમારા બહેન ડોલીએ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં પ્રોસેસ શરૂૂ કરી છે અને સોમવારે કોર્ટમાં મુદત છે.ડોલીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો જેથી મેં મારા મિત્ર જય સોનાગ્રાને ડોલીના ઘરે જવા માટે કહ્યું હતું. જયે અહીં આવી જણાવ્યું હતું કે, ડોલીએ ગળાફાંસો ખાઈ લીધો છે બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.

યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમના બહેનના લગ્નના થોડા સમય પછી બનેવી અમિતકુમાર ઝઘડા કરી હેરાન પરેશાન કરતો હતો. તે કોઈ કામ ધંધો કરતો ન હોય નાની વાતોમાં ઝઘડા કરી ત્રાસ આપતો હતો. આ બાબતે ડોલીએ અવારનવાર માવતરને વાત કરી હતી પરંતુ તેને સમજાવતા હતા. છ મહિના પહેલા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન જુનાગઢ ખાતે રહેતા મોટા બાપુજી હિમાંશુભાઈના ઘરે બંને પરિવારના સભ્યો એકત્ર થયા હતા અને સમજાવટ કરી ડોલીને પરત સાસરીયે મોકલી હતી.

ફરીયાદીએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ આવ્યા બાદ બહેન ડોલી શુભ એપાર્ટમેન્ટ માં રહેતી હોય ત્યાં આજુબાજુના રહીશો માસેથી જાણવા મળ્યું હતું કે, ડોલી આશરે પંદરેક દિવસથી જય મનોજભાઈ સોનગરા સાથે ભાડેથી રહેતી હતી અને બે દિવસ પહેલા જય અને ડોલી વચ્ચે ઝઘડો થયો હતો. પીએમ રૂૂમે હાજર હતા ત્યારે જય સોનગરા ફરિયાદીને મળ્યો હતો અને કહ્યું હતું કે, તે અને ડોલી છ મહિનાથી રિલેશનમાં હતા. આમ પરિણીતાને પતિ અમિતકુમાર આચાર્યએ શારીરિક માનસિક ત્રાસ આપ્યા બાદ પુરુષ મિત્ર જય સોનગરા પણ છએક મહિનાથી રિલેશનમાં હોય તે દરમિયાન ત્રાસ આપતા બંનેના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *