નવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડો

રાજકોટના ઉદ્યોગકારોને લગતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અને માંગણીઓ અંગે રાજકોટ દક્ષિણ ઝોનના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના નેતૃત્વમાં ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ…

રાજકોટના ઉદ્યોગકારોને લગતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અને માંગણીઓ અંગે રાજકોટ દક્ષિણ ઝોનના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના નેતૃત્વમાં ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે મુલાકાત કરી રજૂઆતો કરી હતી.

પ્રતિનિધિમંડળે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઔદ્યોગિક નીતિ બદલ રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રને માર્ગદર્શન આપનાર ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ MSME ક્ષેત્રને વધુ ગતિ મળે તે માટે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત MSME સંબંધિત સરકારી ઠરાવ (G.R.) ત્વરિત જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી GIDC માટે જમીન ફાળવણી અને વિકાસની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ઉદ્યોગકારોને ગ્રીન એનર્જી અને સોલાર એનર્જી ક્ષેત્રે થતી વિવિધ મુશ્કેલીઓ તથા આર્થિક નુકસાન અંગે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકારિયા સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.

પ્રતિનિધિમંડળે સબમર્સિબલ પંપ ઉદ્યોગને રાહત મળે તે હેતુથી સબમર્સિબલ પંપ પર લાગુ GST દરમાં ઘટાડો કરવાની માંગણી નાણામંત્રીના કાર્યાલય સમક્ષ રજૂ કરી હતી. આ મુદ્દાને આગામી GST કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એસોસિએશન, GIDC એસોસિએશન તથા મેટોડા-આજી GIDCના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગોના વિકાસ, રોકાણ વૃદ્ધિ અને રોજગારી સર્જનને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય સરકાર સમક્ષ સકારાત્મક રજૂઆતો કરવામાં આવી હોવાનું પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *