તમામ ખાનગી-સરકારી વેબસાઈટ પર પ્રવાસીઓનું ઓનલાઈન બુકીંગ બંધ, જાહેરનામું બહાર પડાયું
ગુજરાતમાં 15 જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. હવે મુલાકાતીઓઓ ચાર માસ એટલે કે 15 ઑક્ટોબર બાદ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લઈ શકશે.
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
આગામી 16 ઑક્ટોબરથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવતું નથી, જેની પ્રવાસીઓને ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
