ઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયા

નેચર ડેની ઉજવણી દરમિયાન મિસાઇલ દાગી, યુએઇમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન…

નેચર ડેની ઉજવણી દરમિયાન મિસાઇલ દાગી, યુએઇમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો

અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન બનાવી રહ્યા છે જેને લઇને ઈરાન લાલઘૂમ થયું છે. તાજેતરમાં ઈરાનના કરજમાં અમેરિકા દ્વારા એક બ્રિજ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને યુદ્ધની સ્થિતિ વકરે તેવી શક્યતા છે. કરજ ઇરાનના ઉપરી આલ્બોર્ઝ પ્રાંતમાં પહાડોની સોડમાં વસેલું વિશાળ નગર છે. વિવિધ અખાતી દેશોમાંથી આવેલા ઇમિગ્રેન્ટસ આ કરજમાં વસે છે.

ઈરાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરજમાં મહત્ત્વપૂર્ણ ઇ1 બ્રિજ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. તે સમયે ઈરાનના ટ્રાવેલર અને ગામના સ્થાનિક લોકો ત્યાં નેચર ડેની ઉજવણી કરી રહ્યા હતા. જેમાં 8 લોકોના મોત નીપજ્યા જ્યારે 95 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ નફ્ફટાઈ બતાવતા કોઈ સિવિલિયન સાઈટને નિશાને લીધી હોય. અગાઉ પણ અનેક સ્કૂલો અને રહેણાંક ઈમારતો પર આડેધડ બોમ્બમારા કરાયા હતા. કરજ અને તહેરાન વચ્ચેનો ધ્વસ્ત થયેલો આ પુલ રૂા.3800 કરોડના ખર્ચે નિર્માણ કરાયો હતો.

અકળાયેલા ઈરાને હવે અમેરિકાની કંપનીઓને નિશાને લેવાનું શરૂૂ કર્યું છે. એમેઝોન બાદ હવે યુએઈમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખુદ ઇરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવી દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી. ઈરાને હવે ઈઝરાયલમાં ભારે તબાહી મચાવવાનું શરૂૂ કર્યું છે. ઈઝરાયલના વિવિધ શહેરોમાં ઈરાન તરફથી આવતી મિસાઈલોથી એલર્ટ કરતાં સાયરન વાગી રહ્યા છે. એવા અનેક દૃશ્યો પણ સામે આવ્યા છે જેમાં ઇઝરાયલમાં ભારે નુકસાની થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *