ઓળખ કરાયેલા મૃતદેહોમાં 500 મહિલાઓ સમાવિષ્ટ
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે અત્યંત ભયાનક વળાંક લીધો છે. ઈરાનના ફોરેન્સિક મેડિસિન ઓર્ગેનાઈઝેશનના વડા અબ્બાસ મસ્જેદી અરાનીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે અમેરિકા-ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,375 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ એક માનવીય કરૂૂણાંતિકા છે, કારણ કે ઓળખાયેલા મૃતકોમાં 2,875 પુરુષો અને 500 નિર્દોષ મહિલાઓનો સમાવેશ થાય છે. અગાઉ હજારો મૃતદેહોની ઓળખ કરવી અશક્ય બની ગઈ હતી, પરંતુ તાજેતરના ફોરેન્સિક રિપોર્ટ બાદ આ હૃદયદ્રાવક સત્ય દુનિયા સામે આવ્યું છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી હવે યુદ્ધવિરામની આશા પર પણ પાણી ફરી વળ્યું હોય તેમ લાગે છે.
બીજી તરફ, આ આખા વિવાદના મૂળમાં રહેલા ’પરમાણુ કાર્યક્રમ’ પર રાજકીય નિષ્ણાતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર ફુઆદ ઈઝાદીએ અમેરિકાની મથરાવટી સામે આંગળી ચીંધતા કહ્યું કે, ઈરાન જે 3.65% યુરેનિયમ સમૃદ્ધ કરી રહ્યું છે તેનાથી કોઈ પણ કાળે પરમાણુ હથિયાર ન બની શકે. વિશ્વના નિષ્ણાતો પણ આ વાત જાણે છે, તેમ છતાં અમેરિકા આ મુદ્દાને ચગાવી રહ્યું છે. ઈઝાદીના મતે, 2018માં ટ્રમ્પ વહીવટીતંત્રે જેસીપીઓએ (ઉંઈઙઘઅ) કરારમાંથી જે રીતે પીછેહઠ કરી, તે જ સાબિત કરે છે કે અમેરિકાને ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં નહીં, પરંતુ તેના તેલના ભંડાર પર કબજો જમાવવામાં અને ત્યાં શાસન પરિવર્તન કરવામાં વધુ રસ છે.
શાંતિ મંત્રણાના ટેબલ પરથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું નિવેદન કે ’મંત્રણા નિષ્ફળ ગઈ છે’, તે સૂચવે છે કે પશ્ચિમ એશિયામાં આગામી દિવસો વધુ ભયાનક હોઈ શકે છે. ઈરાની વિશ્ર્લેષકો માને છે કે પરમાણુ હથિયારોનો ડર એ માત્ર એક આંતરરાષ્ટ્રીય બહાનું છે, જેની આડમાં અમેરિકા ઈરાનની ભૌગોલિક સરહદો બદલવા માંગે છે. જો ખરેખર શાંતિ જ ઉદ્દેશ્ય હોત, તો 2015ના પરમાણુ કરાર પર પરત ફરવું એ સૌથી સરળ રસ્તો હતો. પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે મુત્સદ્દીગીરીના દરવાજા બંધ થઈ રહ્યા છે અને બંદૂકોની ગર્જના તેજ થવાના એંધાણ મળી રહ્યા છે.
