અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ ઠેકાણા, માઈન પાથરવાની ક્ષમતા અને કોમ્યુનિકેશન સાઇટ્સ સામેલ છે. અમેરિકાના હુમલા બાદ ઈરાને અમેરિકા સામે બદલો લીધો હતો. ઈરાને મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો હતો. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે તેણે હુમલાખોરોને પસ્તાવો કરતો જવાબ આપ્યો છે. IRGC એ દાવો કર્યો કે તેણે જોર્ડનમાં એક અમેરિકન બેઝને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યું છે, જ્યારે ઈરાની મીડિયાએ બહેરીનમાં એક અમેરિકન બેઝ પર મોટા ડ્રોન હુમલાનો અહેવાલ આપ્યો હતો
ઈરાનના જણાવ્યા મુજબ, દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન યુએસ હુમલો થયો હતો. પાંચ લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. હુમલા પછી સામે આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સમાં ઘાયલ બાળકોને હોસ્પિટલોમાં સારવાર લેતા દર્શાવવામાં આવ્યા છે.
અહેવાલો એ પણ દર્શાવે છે કે ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં યુએસ હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા અને આઠ ઘાયલ થયા હતા. બદલામાં, ઈરાને જોર્ડન અને બહેરીનમાં યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે તેણે જોર્ડનના પ્રિન્સ હસન એર બેઝ પર એક મોટો બેલિસ્ટિક મિસાઈલ હુમલો કર્યો, જેમાં લાંબા અંતરના RQ-4 અને MQ-9 ડ્રોન ધરાવતા હેંગરોને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાનના સરકારી પ્રસારણકર્તા IRIB પર એક નિવેદનમાં IRGC એ દાવો કર્યો કે ઘણા ડ્રોન નાશ પામ્યા, ઘણા અમેરિકન ફ્લાઇટ અને ટેકનિકલ કર્મચારીઓ માર્યા ગયા અને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા ભાગોમાં આગ લાગી ગઈ. અમેરિકા કે જોર્ડન તરફથી તાત્કાલિક કોઈ પુષ્ટી મળી નથી.
આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે કોઈ સોદાની જરૂર નથી. ટ્રમ્પના મતે, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે, અને ઈરાનની અર્થવ્યવસ્થા તૂટી રહી છે.
અમેરિકી નૌસેનાનું વિમાનવાહક જહાજ USS અબ્રાહમ લિંકન બુધવારે થાઈલેન્ડ પહોંચ્યું. આ યુદ્ધ જહાજ 200 દિવસથી વધુ સમય સુધી સતત સમુદ્રમાં રહ્યા બાદ પાંચ દિવસના આરામ માટે અહીં રોકાયું છે.
આ જહાજ પર લગભગ 5,000 સૈનિકો અને કર્મચારીઓ તૈનાત છે. આ પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલા મિશન પર હતું. લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાના કારણે જહાજ પર તૈનાત લોકોને કોઈ બંદર પર રોકાવાની તક મળી નહોતી. આ જ કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય અને રહેવાની પરિસ્થિતિઓને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
