અમદાવાદમાં કાલે IPLનો ફાઇનલ જંગ, RCB રિપીટ કે ગુજરાત બાજી મારશે?

33 દિવસ, 73 હાઇ-વોલ્ટેજ મેચ બાદ વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-બેંગલુરુ વચ્ચે કાલે મુકાબલો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 19મી સીઝન હવે તેના…

33 દિવસ, 73 હાઇ-વોલ્ટેજ મેચ બાદ વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-બેંગલુરુ વચ્ચે કાલે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 19મી સીઝન હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. સતત 33 દિવસ સુધી ચાલેલી ક્રિકેટની રોમાંચક સફર અને 73 મેચોના હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ આખરે આ વર્ષની બે સર્વશ્રેષ્ઠ ફાઇનલિસ્ટ ટીમોના નામ જાહેર થઈ ગયા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે રવિવારે, 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે આ સીઝનની ટ્રોફી માટે કાંટાની ટક્કર જોવા મળશે.

શુક્રવારે રમાયેલી રોમાંચક ક્વાલિફાયર-2 મેચમાં શુભમન ગિલની ધમાકેદાર સદીના જોરે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ધૂળ ચટાડીને ફાઇનલમાં ભવ્ય એન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પરંતુ ગિલના ક્લાસ સામે રાજસ્થાનનું આખું સપનું રોળાઈ ગયું હતું. આ જીત સાથે ગુજરાતે ક્વાલિફાયર-1માં બેંગલુરુ સામે મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક પણ મેળવી લીધી છે.

બીજી તરફ, ગત સીઝનની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ વર્ષે પણ શરૂૂઆતથી જ ચેમ્પિયનની જેમ રમી છે. ક્વાલિફાયર-1માં ગુજરાતને હરાવીને તે સીધી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. જો RCB આ મેચ જીતવામાં સફળ રહેશે, તો તે ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011) અને મુંબઈ ઇન્ડિયન્સ (2019, 2020) બાદ સતત બે વાર આઈપીએલ ટ્રોફી જીતનારી ત્રીજી ટીમ બનીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દેશે.

લીગ સ્ટેજ દરમિયાન બંને ટીમોનું પ્રદર્શન અત્યંત શાનદાર અને સરખું રહ્યું હતું, જે ફાઇનલ મેચ વધુ રસપ્રદ બનવાના સંકેતો આપે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: લીગ સ્ટેજની 14 મેચોમાંથી 9માં જીત મેળવી. ટીમ 18 પોઇન્ટ્સ અને +0.783ના શાનદાર નેટ રન રેટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને (નંબર-1) રહી હતી.
ગુજરાત ટાઇટન્સ: ગુજરાતે પણ 14માંથી 9 મેચો જીતી હતી. પરંતુ +0.695ના રન રેટના કારણે તે પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે રહી હતી. પોતાની ડેબ્યૂ સીઝનમાં જ ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમ પોતાના ઘરઆંગણે બીજી ટ્રોફી જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

અમદાવાદના સ્થાનિક ચાહકોમાં પોતાની હોમ ટીમ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે ભારે ઉત્સાહ છે, તો બીજી બાજુ RCBની લોકપ્રિયતા પણ આસમાને છે. રવિવારે રમાનારો આ મહામુકાબલો ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ફાઇનલ મેચોમાંથી એક બની રહેશે તેમાં કોઈ શંકા નથી. આ ફાઇનલ મેચમાં અનેક દિગ્ગજ ક્રિકેટરો ઉપસ્થિત રહેશે સાથોસાથ આઇસીસીના ચેરમેન જય શાહ, બીસીસીઆઇના પ્રમુખ તેમજ સેક્રેટરી ઉપરાંત ભારતના દરેક ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ પણ આ મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સ હોમ પીચ ઉપર રમશે એટલે સ્વાભીવક છે કે, ક્રિકેટ રસીકોની પ્રથમ ફેવરીટ ટીમ પણ ગુજરાત ટાઇન્ટસ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *