સુરતના ભૂતિયા ડિમોલિશનમાં અંતે તપાસ સમિતિની રચના

હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢતા સરકાર 51 દિવસે જાગી: શહેરી વિકાસ અગ્રસચિવ અને હાઉસિંગ સચિવને 60 દિવસમાં અહેવાલ આપવા સૂચના રાજ્ય સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખી…

હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢતા સરકાર 51 દિવસે જાગી: શહેરી વિકાસ અગ્રસચિવ અને હાઉસિંગ સચિવને 60 દિવસમાં અહેવાલ આપવા સૂચના

રાજ્ય સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે, નાના કર્મચારીઓ હોય તો સસ્પેન્ડ કરી દેવાય છે, એસએમસી કમિશનર હોદ્દા પર શું કરી રહ્યા છે?: હાઇકોર્ટ લાલઘૂમ

સુરતના નાસીરનગરમાં ખાનગી જમીનમાં ભૂતીયા ડિમોલીશન કરી નાખવાની સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારી ઘટનામાં 50 દિવસ બાદ પણ રાજ્ય સરકારે નિંભર નીતિ અપનાવી કોઇ પગલા નહીં ભરતા ગઇકાલે હાઇકોર્ટે ઉઠાવેલા સવાલો બાદ સરકાર સફાળી જાગી હતી અને ગઇકાલે સાંજે જ તાબડતોબ તપાસ સમિતિની રચના કરી 60 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે.

હાઈકોર્ટમાં ગઇકાલે યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની કામગીરીને લઈ વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેના ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકાર તરફથી નાસીરનગર ડિમોલીશનની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન કમિટીના અધ્યક્ષ રહેશે જ્યારે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનીવાલનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. બંને અધિકારીઓ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરશે.

આ નવગઠિત બે સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હાઉસિંગ વિભાગના સચિવ રાજકુમાર બેનીવાલને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. સરકારી ઠરાવની જોગવાઈઓ અનુસાર, આ સમિતિએ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરીને આગામી 60 દિવસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો રહેશે. આ ઉપરાંત, તપાસ પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે સમિતિના અધ્યક્ષને જરૂૂર જણાય તો અન્ય કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓને ’આમંત્રિત સભ્ય’ તરીકે સામેલ કરવાની વિશેષ સત્તા પણ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલો અત્યંત ગંભીર અને કાનૂની ગૂંચવણો ભરેલો બનતા, ઘટનાની વિગતવાર અને તલસ્પર્શી તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. વિચારણાના અંતે સરકારે સ્વીકાર્યું છે કે, સુરત મહાનગરપાલિકામાં થયેલ ડિમોલિશનની કામગીરી અત્યંત સંવેદનશીલ છે. આથી, સમગ્ર ઘટનાની પાછળના સત્યને બહાર લાવવા માટે એક વિશેષ સમિતિના ગઠનનો ઠરાવ કરવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. કોર્ટને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી, પણ કમિટી શેની તપાસ કરવાની છે તે જ સ્પષ્ટ નથી. એસએમસી કમિશ્નર ઉપર આક્ષેપ છે, તો તેમનો ખુલાસો કેમ માંગ્યો નહીં ? નાના કર્મચારીઓ હોય તો સસ્પેન્ડ કરી દેવાય છે. તમે કોર્ટને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો ! એસએમસી કમિશ્નર પોતાના હોદ્દા પર અત્યાર સુધી શું કરે છે ?

હાઇકોર્ટે જણાવેલ કે, એસએમસી કમિશ્નરે મેસેજ ફોરવર્ડ કર્યો તે વાતને નકારી નથી, તેમના જ નંબરથી મેસેજ થયો તેનો પણ સ્વીકાર કરાયો છે. પાવર ધરાવતો આક્ષેપિત વ્યક્તિ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેમ થાય ? એસએમસી કમિશ્નરે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી છે તો તેઓએ ચોખ્ખા હાથે કોર્ટ સમક્ષ આવું જોઈએ. કમિશ્નરને કોઈએ ડિમોલિશન માટે સૂચના આપી છે. એક વખત ડિમોલિશન કરવાની તાકત આવે એટલે આવું બધું ખોટું કામ પણ અધિકારીઓ કરે ! શું આ દેશમાં કાયદો નથી ? 150 પરિવારોને રોડ ઉપર લાવી દીધા !

કમિશનરને ખાનગી પ્રોપર્ટીમાં કેમ રસ પડ્યો
એક તબક્કે હાઇકોર્ટે કહ્યું હતું કે આ જમીન ખાનગી હતી અને એને એફએસઆઈના લાભાર્થે સરન્ડર કરવામાં આવી રહી હતી અને તેથી એ જમીન કોર્પોરેશનની થઇ જાય અને આ રીતે તંત્ર એવો ખૂબ જ ઊંચો અને સ્પષ્ટ મેસેજ આપી રહી છે કે તમારું કોર્પોરેશન કોઇ ખાનગી બિલ્ડર માટે હેન્ચમેન તરીકે કામ કરી રહી હતી અને તમે એ માટે ડિમોલિશન કરી નાખ્યું. કોર્ટે ઝાટકણી કાઢી હતી કે કોર્ટ સમક્ષ મામલો આવ્યો ત્યારે કમિશનરે કોર્ટમાં કેમ જણાવ્યું નહીં કે એક ફોરવર્ડેડ મેસેજના પગલે બધું થયું છે અને તેમના મેસેજનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. 19મી જુલાઇના રોજ સોગંદનામા ઉપર આ બધું જણાવી દેવું હતું. શા માટે કમિશનર સાફ હાથ સાથે હાઇકોર્ટ સમક્ષ આવ્યા નથી. કોર્ટ એવું કદાપિ માનવા તૈયાર નથી કે આ એક રૂૂટીન ફોરવર્ડેડ મેસેજ છે.

જેના આદેશથી ડિમોલિશન થયું તે જ તપાસ કમિટીની રચના કરે છે!
હાઇકોર્ટે આકરો સવાલ કરતા જણાવેલ કે એસએમસી કમિશ્નરના આદેશથી જ ડિમોલિશન થયું અને તે જ તપાસ કમિટીની રચના કરે છે ! નાનો કર્મચારી એસએમસી કમિશ્નર ઉપર આક્ષેપ કરતી ખોટી એફિડેવિટ હાઇકોર્ટમાં કરવાની હિંમત કરે નહીં ! રાજ્ય પણ તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ ના નાખે ! જળભ કમિશનર કેવી રીતે પોતાના હોદ્દા ઉપર રહી શકે ? કમિશ્નર સામે પ્રથમદર્શી આક્ષેપો છે, તેને સસ્પેન્ડ ના કરો, પણ પ્રાથમિક તપાસ ક્યાં ? તે અત્યાર સુધી હોદા ઉપર કેમ છે ? સીટનો રીપોર્ટ પણ કોર્ટની આંખમાં ધૂળ નાખનારો છે. રાજ્ય સરકાર કેમ જાતે કારવાહી કરવા નથી માંગતી ? સરકાર કોને બચાવવા માંગે છે ? તલસ્પર્શી અભ્યાસ એટલે શું ?

હાઇકોર્ટની આકરાં વલણ સાથે અત્યંત સૂચક ટકોર
– જો આ કેસ ના થયો હોત તો બધું આટોપી ગયું હોત.
– કોર્ટના મનમાં એવો કોઇ વિચાર નથી કે તે રાજ્યને ચલાવી રહી છે.
– સરકારે પરિસ્થિતિને અનુકૂળ વર્તન કર્યું નથી.
– એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું સોગંદનામું આંખ ઉઘાડનારું છે.
– ન્યાય થવો એટલું પુરતું નથી, ન્યાય થયો એ દેખાવું જોઇએ.
– તમે કમિશનરને તેના હોદ્દા ઉપર જ ચાલુ રાખશો તો ન્યાય થયો એ કઇ રીતે દેખાશે.
– શા માટે એ વ્યક્તિને આખા એક તંત્રનું સંચાલન હજુ પણ સોંપી રાખ્યું છે.
– તમે જે તપાસનો ડોળ કરી રહ્યા છો એમાં કોઇ ગંભીરતા દેખાતી નથી.
– વિસ્થાપિતોને ટેક્સ પેયર્સ નહીં અધિકારીઓના ખર્ચે પુન:સ્થાપિત કરો.

રાજ્ય અને લોકોના ખર્ચે નહીં દોષિતોના ખર્ચે પુનર્વસન કરો
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, તે મુદ્દે પણ તપાસ થશે, અત્યારે નાસીરનગરના લોકોના પુનર્વસન ઉપર કામ કરાઈ રહ્યું છે. જેથી કોર્ટે કહ્યું હતું કે પુન:વસન રાજ્યના, લોકોના ખર્ચે કેમ ? દોષિતોના ખર્ચે પુનર્વસન કરો. કોર્ટ સમક્ષ અરજદારોની બે માંગ છે એક તો પુનર્વસનની અને બીજી દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાની.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *