રાજકોટ શહેરમાં વ્યાજખોરીનું દૂષ્ણ વધતુ જાય છે. રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુધ્ધ લોક દરબાર યોજવામાં આવ્યાં છતાં વ્યાજખોરો સુધરવાનુ નામ નથી લેતા ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રવિરત્ન પાર્કમાં રહેતા અને ઇન્સ્યોરન્સના ધંધાર્થી એ વ્યાજખોરને 26 લાખની સામે 3પ લાખ લીધા છતા વ્યાજખોરો ધમકી આપી ચેકમાં રકમ લખી ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે હવે યુનિવસીટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, રવિરત્ન પાર્કમાં રહેતા હરેશભાઇ અમૃતલાલ મારડીયા (પટેલ) (ઉ.વ. 48) નામના આધેડે આરોપી અમીત રમેશ ભાણવડીયા વિરુધ્ધ ધમકી અને મનીલેન્ડ એકટ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. આ મામલે હવે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી હરેશભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ પ્રોફેશનલ ઇન્સ્યોરન્સ નામે ધંધો કરે છે. તેમજ 15 વર્ષથી અમીત ભાણવડીયાને ઓળખે છે. 2020 મા કોરોના સમયે હરેશભાઇને નાણાકીય નુકસાની ગઇ હતી જેથી અમીત પાસેથી અલગ અલગ સમયગાળા દરમિયાન 26 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેની સામે આ અમીતને સીકયોરીટી પેટે ધ રાજકોટ કો. ઓપરેટીવ બેંકનો ચેક આપ્યો હતો જે તેમની પાસેથી પરત માંગતા અમીતે કહયુ કે તમારા પૈસા આવી ગયા જેથી તે તમારો ચેક ફાળી નાખ્યો હતો આમ તેમણે ચેક પરત આપ્યો નહોતો.
ત્રણેક દીવસ પહેલા હરેશભાઇ પોતાના ઘરથી બહાર ગયા ત્યારે પત્ની વંદનાબેનનો કોલ આવ્યો કે અમીતના મિત્ર એન.ડી નામ વાળી વ્યકિત આપણા ઘરે આવી છે અને ત્યાર તેમણે અમીતની ઓફીસે આવવાનુ કહયુ હતુ જેથી ત્યા હરેશભાઇ અને તેમના પત્ની જતા તેમણે હજુ 18 લાખની માંગણી કરી હતી અને ગાળો આપી તમારો ચેક મારી પાસે પડયો છે તેમાં મને સારુ લાગે તેટલી રકમ લખી તમને ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી. આમ આ અમીતને રૂ. 26 લાખની સામે 35 લાખ ચૂકવી દીધા છતા વધુ પૈસાની માંગણી કરતા યુનિવસીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ. જી. વસાયા અને સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અમીત ભાણવડીયા અગાઉ યુનિવસીટી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા વેપારીની હત્યાના બનાવમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ત્યારે હવે વધુ એક વખત પોલીસ મથકમાં તેમના વિરુધ્ધ ફરીયાદ નોંધાતા પોલીસે અમીતની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.